લંડન, તા. 21 જૂન
તાંબાના ભાવ ઘટીને સાડા આઠ મહિનાના તળિયે ગયા છે. મજબૂત ડૉલર અને વૈશ્વિક મંદીના ભયને પગલે લંડન મેટલ એક્ષ્ચેન્જ પર તાંબાનો ત્રિમાસિક વાયદો 0.1 ટકા ઘટીને 8955 ડૉલર થયો હતો. શાંઘાઈમાં જુલાઈ વાયદો 1.6 ટકા ઘટીને 68460 યુઆન (10233.49 ડૉલર) બોલાતો હતો.
ચીનમાં મધ્યસ્થ બૅન્કે વ્યાજદરમાં કરેલા વધારાને કારણે પરિવારો અને કંપનીઓ માટે લોન મોંઘી થશે. આને કારણે ચીન સરકાર માટે વ્યાજદર ઘટાડીને અર્થતંત્રને સચેત કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે.
ડૉલર ઇન્ડેક્સ (અન્ય ચલણો સામે ડૉલરની મજબૂતાઈ દર્શાવતો સૂચકાંક) બે દાયકાની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચી ગયો છે. તેથી ડૉલર સિવાયનાં ચલણો ધરાવતા દેશો માટે ધાતુઓ અને અન્ય ચીજો વધુ મોંઘી બની છે.
ગત સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બૅન્કોએ ચાવીરૂપ વ્યાજદરમાં મોટો વધારો કર્યો. અમેરિકામાં ફુગાવો 8.6 ટકાની ચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હોવાથી ફેડરલ રિઝર્વે નાણાંનીતિ કડક બનાવી છે. તે એક તરફ બોન્ડ વેચીને નાણાંવ્યવસ્થામાંથી રોકડ નાણું ખેંચી રહી છે અને બીજી બાજુ વ્યાજદર વધારીને લોન મોંઘી બનાવતી જાય છે. ફેડ રિઝર્વે વ્યાજદરમાં હજી વધારો કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. વ્યાજદરોમાં તીવ્ર વધારો અને યુક્રેન યુદ્ધને કારણે ખોરવાઈ ગયેલી પુરવઠા વ્યવસ્થાને કારણે અમેરિકન અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જવાનો ડર વ્યાપકપણે સેવાય છે. શાત્રીય પરિભાષામાં મંદી ન આવે તો પણ આર્થિક પ્રવૃત્તિ ધીમી પડવાની અને બેકારી વધવાની શક્યતા ફેડ પોતે પણ સ્વીકારે છે.
વિશ્વમાં તાંબાના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક દેશ પેરુમાં તાંબાના ખાણકામમાં વિઘ્ન આવ્યું છે, તો વિશ્વનાં તાંબાના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીલીમાં સરકારી માલિકીની કોડેલ્કોના કામદારોએ વેન્ટાનાસ ખાતેનો સ્મેલ્ટર પ્લાન્ટ બંધ કરવાના વિરોધમાં દેશવ્યાપી હડતાલ પર જવાની ધમકી આપી છે.
ચીનમાં નબળી સ્થાનિક માગ અને ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવને કારણે એલ્યુમિનિયમની આયાત મે મહિનામાં 16.4 ટકા ઘટી હતી. જ્યારે તેનું તાંબાનું ઉત્પાદન વર્ષાનું વર્ષ 4.7 ટકા ઘટીને 9.1 લાખ ટન થયું હતું.
મંદીના ભયથી તાંબું આઠ મહિનાના તળિયે
