નવી દિલ્હી, તા. 21 જૂન
વિશ્વભરની નાણાંનીતિ કડક બનતી જાય છે તેમ તેમ ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રમાં મંદી ઘેરી બનતી જાય છે. બીટકોઈનનો ભાવ ગગડીને ડિસેમ્બર, 2020ના લેવલે આવી ગયા છે.
સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બીટકોઈનના ભાવ શનિવારે લગભગ 15 ટકા ગગડીને 17,599 ડૉલર થઈ ગયા હતા. સતત બારમા દિવસે તેના ભાવ ઘટયા હતા. જોકે, રવિવારે સવારે તેના ભાવ સુધર્યાં હતાં અને 19075 ડૉલર આસપાસ હતા.
ઇથરના ભાવ 19 ટકા ઘટીને 881 ડૉલર થયા હતા તથા રવિવારે સવારે 11 ટકા વધીને 1005 ડૉલર થયા હતા.
ક્રિપ્ટો ઉદ્યોગની આ બે દિગ્ગજ કરન્સીના ભાવ ગયા નવેમ્બરના વિક્રમ ભાવ કરતા 70 ટકાથી વધુ ઘટી ગયા હતા.
ભાવ ઘટી જવાને કારણે વેચવાલી વધવાથી પ્રવાહિતા વધી ગઈ છે અને વાતાવરણ નકારાત્મક થઈ ગયું છે, જેના કારણે હજી વધુ વેચવાલી આવી શકે છે તેમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં 5667 લાખ ડૉલરની વેચવાલી હતી, જેમાં બીટકોઈનના 2710 લાખ ડૉલર તથા ઇથરના 1920 લાખ ડૉલરનો સમાવેશ થાય છે. છેલ્લાં 12 વર્ષના કામકાજ દરમિયાન બીટકોઈનના ભાવ ક્યારેય આ હદ સુધી ઘટયા નથી.
બીટકોઈન સિવાયની બીજી કરન્સી કાર્ડાનો, સોલાના, ડોગેકોઈન તથા પોલકાકોટના ભાવ પણ 12થી 14 ટકાની વચ્ચે ઘટયા હતા. મોનેરો તથા ઝેડકેશ જેવી ખાનગી કરન્સી પણ 16 ટકા ઘટી હતી.
નકારાત્મક સમાચારો તથા વધતાં જતાં વ્યાજદરને કારણે ક્રિપ્ટોકરન્સી વધુ જોખમી બની ગઈ છે. 15 જૂને અમેરિકાની ફેડરલ રિઝર્વ બૅન્કે પોણો ટકો વ્યાજદર વધાર્યો જે 1994થી અત્યાર સુધીમાં સૌથી મોટો વધારો છે. હજી પણ વ્યાજદર વધતો રહેશે તેવી શક્યતા બૅન્કે બતાવી છે. વધતો જતો ફુગાવો ડામવા માટે વ્યાજદરનો વધારો અનિવાર્ય છે તેમ અમેરિકાની મધ્યસ્થ બૅન્કનું માનવું છે.
બિટકોઈન ગગડીને $ 18,000ની નીચે
