ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એનડીએના ઉમેદવાર બની શકે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 21 જૂન
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવા માટે 17 મુખ્ય વિપક્ષો મંગળવારે સંમત થયા હતા. બીજી તરફ શાસક પક્ષ બીજેપી અને એનડીએના અન્ય પક્ષોમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના નામની ચર્ચા થઇ રહી છે. બીજેપીના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી.નડ્ડા મંગળવારે નાયડુને મળ્યા હતા.
નવી દિલ્હી ખાતે વિપક્ષોની બેઠક બાદ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે પત્રકારોને જણાવ્યું હતું કે, યશવંત સિંહાને વિપક્ષોના ઉમેદવાર બનાવવાનો અમે સર્વાનુમતીથી નિર્ણય લીધો છે.
નેશનાલિસ્ટ કૉંગ્રેસ પક્ષના મુખિયા શરદ પવાર પણ બેઠકમાં હાજર હતા. તેમણે જણાવ્યું અમે 27 જૂને બપોરે સાડા અગિયાર વાગે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે નોમિનેશન ફાઈલ કરશું. એક સંયુક્ત નિવેદનમાં વિપક્ષોએ બીજેપી અને એનડીએના અન્ય પક્ષોને સિંહાને ટેકો આપવાનો અનુરોધ કર્યો હતો, જેથી તે બિનહરીફ ચૂંટાઈ શકે.
આપણા રિપબ્લિકના સૌથી ઊંચા પદ માટે સરકાર તેમજ વિપક્ષો વતી સર્વસંમત ઉમેદવાર હોવો જોઈએ. પણ આ માટે શરૂઆત સરકારે કરવી જોઈએ. આ દિશામાં મોદી સરકારે કોઈ ગંભીર પ્રયત્નો કર્યા નથી એનો અમને ખેદ છે. અમે બીજેપી અને તેના સાથી પક્ષોને સિંહાની ઉમેદવારીને ટેકો આપવાનો અનુરોધ કરીએ છીએ, જેથી દેશના રાષ્ટ્રપતિ કોઈ વિરોધ વગર ચૂંટાઈ શકે, એમ આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
સિંહાના નામની જાહેરાત થઇ તેના થોડા કલાકો અગાઉ તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રના હિત માટે તેમણે તૃણમૂલ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે તે આ પક્ષમાં જોડાયા હતા.
એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લા અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ વિપક્ષોના ઉમેદવાર બનવાની ના પડી તે પછી આ જાહેરાત થઇ હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે. મતદાન 18 જુલાઈએ થશે અને મતગણતરી 21 જુલાઈના રોજ થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદની મુદત 24 જુલાઈએ પૂરી થાય છે. તે પહેલા નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવી જરૂરી છે. શાસક પક્ષે હજુ સ્પષ્ટ કર્યું નથી કે તે કાવિંદને બીજી મુદત માટે ફરીથી ઉભા રાખવા માંગે છે કે પછી કોઈ નવા ચહેરાને પસંદ કરશે.
રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષોના ઉમેદવાર યશવંત સિંહા
