એરંડાની તેજીમાં મોટા કડાકાથી કિસાનો નિરાશ

દિવેલમાં ચીનની માગ અટકી પડી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.28 જૂન 
એરંડા મણે રૂ. 1800-2000માં વેચાશે એવી હવા વચ્ચે ભાવ પડી જતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાઇ ગયો છે. વૈશ્વિક બજારોમાં કૃષિ ચીજોના ભાવમાં છેલ્લાં કેટલાક દિવસથી ગાબડાં પડવાનું શરૂ થતા એરંડા પણ બચી શક્યા નથી. પામતેલ અને ક્રૂડ તેલના ભાવમાં આવેલી મંદી એરંડાને પણ ઢસડી ગઇ છે. જોકે માગ કરતા પુરવઠો નબળો હોવાની સંભાવનાને લીધે એરંડામાં ફરી થોડી તેજી આવશે પણ બહુ મોટો ભાવવધારો થવો મુશ્કેલ છે એમ બ્રોકરો અને દિવેલ ઉત્પાદકો કહે છે. 
એરંડાનો જુલાઇ વાયદો 23મી મેના દિવસે રૂ.7798ના નવા ઐતિહાસિક ટોપ પર હતો. એ ઘટીને 27મી જૂને રૂ. 7226 સુધી આવી ગયો હતો. વાયદા બજારમાં રૂ. 572ની મંદી આવી ચૂકી છે. બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ગયા મહિને એરંડાનો ભાવ રૂ. 1550 સુધી એક મણ દીઠ ગયો હતો. જે સોમવારે રૂ.1455-1460 સુધી સારાં માલમાં હતો. હાજર બજાર પણ રૂ. 100 ઘટી ગઇ છે. 
સૌરાષ્ટ્રના એક દિવેલ ઉત્પાદક કહે છેકે, મોટાં ગાબડાં પછી હવે બજાર કટપીસ ચાલે અથડાઇ જાય તેવી શક્યતા છે. બજારમાં હવે રૂ. 25-50ની બન્ને તરફી વધઘટ રહેશે. તેમણે કહ્યું કે, ચીનમાં નિકાસની માગ ગયા મહિનાથી ઠંડી પડવાનું શરૂ થઇ ગયું હતુ. અત્યારે નવા સોદા માટે બહુ જ મર્યાદિત પૂછપરછ છે. નિકાસનું કારણ હતુ. એવામાં પામતેલ, ક્રૂડ તેલ, ઘઉં, સોયાબીન, કપાસ બધા જ વાયદા બજારમાં કડાકા બોલી જતા એરંડા બજારને પણ તૂટવું પડ્યું છે. તેમના મતે લાંબાગાળે તેજીનું ધ્યાન છે પણ હાલ અથડાઇ જાય તેમ છે. 
એરંડાના ભાવ રૂ. 1550થી નીચે આવ્યા છે અને રૂ. 1450 આસપાસ છે છતાં પાછલા બે વર્ષની તુલનાએ ઉંચા ભાવમાં વેચાય રહ્યા છે એટલે ખેડૂતોને ફાયદો છે. જોકે ખેડૂતોને અગાઉ રૂ. 1800-2000ના ભાવ મળે તેવો પ્રચાર થઇ ગયો હોવાથી હવે નિરાશા સાંપડી છે. એક નિકાસકાર કહે છે, એરંડાનું ભવિષ્ય નિશ્ચિત છે પણ અકલ્પનીય ભાવ થાય એવું લાગતું નથી. એરંડા ઉંચામાં રૂ. 1700-1725 સુધી જઇ શકે છે. પણ એના માટેનો સમય ક્યારે આવશે તે વૈશ્વિક સંજોગો જોતા નક્કી ન કહી શકાય. 
દરમિયાન એરંડાના ભાવ તૂટી ગયા પછી માર્કેટીંગ યાર્ડોમાં ખેડૂતોની વેચવાલી સાવ ઘટી ગઇ છે. ગુજરાતભરમાં માંડ 20-25 હજાર ગુણી આવક થાય છે. ખેડૂતો નીચાં ભાવમાં વેચવા માટે તૈયાર નથી એટલે આમ બની રહ્યું છે. દિવેલ મિલોને પીલાણ પૂરતો જથ્થો યાર્ડમાં આવતો નથી પરંતુ બજારમાંથી પુરવઠો મળી રહે છે. તેજી વખતે બદલામાં ખૂબ એરંડા ગયા હતા અને કાચું હેજીંગ પણ ખૂબ થયું હતુ. એ માલ હવે નફારૂપી વેચવાલીને લીધે બજારમાં ખૂબ ઠલવાઇ રહ્યો હોવાથી પ્લાન્ટવાળાને માલ મળે છે. 
ચાલુ વર્ષે એરંડાનું ઉત્પાદન 15થી 17 લાખ ટન થશે એવી ધારણા મૂકાય છે. એમાંથી આશરે અર્ધો માલ આવી ચૂક્યો છે. હજુ નવા માલ અગાઉ આઠ મહિનાનો સમય પસાર કરવાનો છે. વાવેતરનો સમય હવે પાકી રહ્યો છે. સારાં ચોમાસાની આગાહી અને ઉંચા ભાવને લીધે અત્યારે તો વાવેતર વધશે તેવી અટકળો મૂકાય છે. ખેર એરંડાના વાવેતર જુલાઇ-ઓગસ્ટમાં થતા હોય છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer