ખારેક : સૌરાષ્ટ્રના ખેડૂતોનો માનીતો પાક

રિટેલમાં રૂ. 100-200 પ્રતિ કિલો ભાવે મળે છે
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 28 જૂન 
બેથી અઢી મહિનાની સિઝન જ ધરાવતો પણ મધમીઠાં ફળ આપતો ખારેકનો પાક સૌરાષ્ટ્રના ખેડૂતોનો માનીતો બની રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દસ પંદર વર્ષ પહેલા આંગણીના વેઢે ગણી શકાય એટલા જ ખેડૂતો મીઠી ખારેકની ખેતી કરતા હતા પણ અત્યારે આંકડો 150 કરતા વધારે થઇ ગયો હોવાનો અંદાજ છે. સૌરાષ્ટ્રમાં દેશી અને ઇઝરાયેલની બન્ને પ્રકારની ખારેક ઉગાડાય છે. હવે દેશીની સીઝન પૂરી થવામાં છે અને ઇઝરાયેલની સિઝનનો આરંભ થઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રની ફળ બજારમાં અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર એમ બન્ને પંથકની આવક થાય છે અને એક કિલોએ રૂ. 100-150ના ભાવ જાતવાર ચાલે છે. 
સરકારી આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં આશરે 20 હજાર હેક્ટર જેટલો વિસ્તાર ખારેક હેઠળ આવે છે. એમાં 95 ટકા જેટલો વિસ્તાર એકલા કચ્છનો છે. કચ્છ વિસ્તાર ખૂબ મોટાં પાયે ખારેક સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરે છે પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો ય હવે કાઠું કાઢી રહ્યા છે. 
ધ્રાંગધ્રાના પ્રતાપપુર ગામમાં 17-18 વર્ષથી ખારેકની ખેતી કરતા અને આશરે 2500 જેટલા વૃક્ષો ધરાવતા નીલકંઠ ફાર્મના ઘનશ્યામભાઇ પટેલ કહે છેકે, મારા અંદાજ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં જ આશરે 40 જેટલા ખેડૂતો ખારેકની ખેતી સાથે સંકળાયેલા હશે. પાણીની સગવડ હોય અને વેચાણની વ્યવસ્થા જો કિસાન કરી શકે તેમ હોય તો ખારેકની ખેતીમાં વળતર સારું છે. 
તેમણે કહ્યું કે, અમારે દેશી ખારેકના ઝાડ છે. અમે પરંપરાગત પાકોની ખેતીમાંથી બાગાયતી તરફ વળવાનું નક્કી કર્યું હતુ. હવે આ ખેતીમાં ફાવટ આવી ગઇ છે. માવજત સાથે ગુણવત્તા યુક્ત ખારેકનું ઉત્પાદન કરવાને લીધે કમાણી પણ સારી થઇ છે. 
સૌરાષ્ટ્રમાં મોટેભાગે ઇઝરાયેલી બારાહી ખારેક જોવા મળશે એમ કહેતા તેમણે ઉમેર્યું કે, દેશીની આવક સૌથી પહેલા થાય છે અને અંતે ઇઝરાયેલની બારાહી આવે છે. દેશી ખારેકનો સ્વાદ બેજોડ હોય છે. અમારી ખારેક મુંબઇ, કલકત્તા, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ સહિતના મોટાં શહેરોમાં વેચાણ માટે જાય છે. 
સુરેન્દ્રનગર સિવાય રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ ખારેકનું વાવેતર થયેલું છે. જામનગર તાલુકામાં જ આશરે 10થી 15 તથા રાજકોટ જિલ્લામાં ય લગભગ 10-15 ખેડૂતો દ્વરા ખારેકની ખેતી કરવામાં આવે છે. એ સિવાયના સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ખેતરો આવેલા છે. 
જામનગર જિલ્લાના જગા ગામે ભોજલરામ ફાર્મના સુરેશભાઇ સાવલીયા કહે છેકે, 2002માં 50 ઝાડ સાથે ખારેકની ખેતી શરૂ કરી હતી. પાક પણ સારો છે. ગુણવત્તા ય સારી રહી છે. ખારેકને પાણીની ખૂબ જરુરિયાત રહે છે. અમારે ત્યાં બારાહી અને દેશીમાં લાલ અને પીળી બન્ને છે. બારાહી વધુ ઉત્પાદન આપતી હોવાથી ખેડૂતોમાં તેનું આકર્ષણ છે. રિટેઇલમાં રૂ. 100-150માં શોર્ટીંગ કરેલી બેસ્ટ ખારેક વેચાય જાય છે. વરસાદ ન થાય તો 20-25 દિવસ સુધી આવક થાય તેવી ધારણા છે. 
સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લા-તાલુકામાં જગા ગામે ખારેકની ખેતીની શરૂઆત થઇ હોવાનું કહેવાય છે. એને આશરે 20 વર્ષ થઇ ગયા છે અને તેની સાથે જ કદાચ ક્યાંક છૂટાછવાયા વાવેતર થયા હતા. જોકે હવે જગા ગામે ઘણા ખેડૂતો ખારેક પકવીને સારો નફો રળતા થઇ ગયા છે. ખેડૂત યુસુફભાઇ ખેરાણી કહે છેકે,અમારે 140 જેટલા ખારેકના વૃક્ષો છે. જોકે સૌરાષ્ટ્રની ખાસિયત એ છેકે મોટાંભાગના ખેડૂતોને બજારમાં ખારેક વેચવા જવું પડતું નથી. ખેતરથી સીધું વેચાણ થઇ જાય છે. બજારમાં રેંકડીઓમાં વેચાતી ખારેકની ગુણવત્તાથી ગ્રાહકોને સંતોષ હોતો નથી કારણકે તે ગળામાં ફસાય છે પણ ખેડૂતો સીધા વેચાણમાં શોર્ટેક્સ કરીને વેંચતા હોય છે એટલે મીઠાશ અને ખારેકની સાઇઝ પણ ખૂબ સારી જળવાય છે. 
તેમણે કહ્યું કે, ખારેકની ખેતીમાં ત્રણેક મહિના ઉત્પાદન મળે છે અને બાકીનો સમય માવજત કરવી પડે છે એટલે થોડી મહેનત માગી લે છે પણ પાકના સમયે વરસાદ વિધ્ન ન બને તો ખેડૂતોને આખી સીઝન ફળ મળે છે અને વળતર પણ સારું મળે છે. તેમણે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, અમે ખારેકના 10 જેટલા દેશી ઝાડ પૂરતો ગોળનો પ્રયોગ કર્યો હતો અને તેનું અદ્દભૂત પરિણામ મળ્યું છે. 10 ઝાડમાં ફાલ બેસવા લાગ્યો ત્યારથી ગોળનું પાણી અને બીજી માવજત પણ સજીવ ખેતીમાં થાય એ રીતે કરી હતી અને તેની મીઠાશ અદ્દભૂત મળી છે. અમારો સારો માલ રિટેઇલમાં રૂ. 150-200 સુધી વેચાય છે. 
દાયકા પહેલા સૌરાષ્ટ્રમાં ખારેકનું નામ પડે તો આશ્ચર્ય થતું હતુ પણ હવે સામાન્ય થઇ ગયું છે. અસંખ્ય ખેડૂતો ખારેકની મીઠી ખેતીમાં જોડાયા છે. સંપર્કો અને બજાર ધરાવતા ખેડૂતોને ખારેક કલ્પવૃક્ષ જેવી લાગવા માંડી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer