અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 28 જૂન
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 29 જૂને સામાન્ય વરસાદ રહ્યા બાદ 30 જૂન અને 1 જુલાઇએ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રથયાત્રાના દિવસે સાર્વત્રિક મેઘકૃપા રહેશે તેમ હવામાન વિભાગ જણાવે છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. જે સરેરાશથી ઓછો છે. ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી આગાહી વચ્ચે જખૌ, માંડવી પર 3 નંબરનું સિગ્નલ, તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહરેજ ભરૂચમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે.