લાંબી પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ વિદેશાગમન માંડી વાળે છે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 28 જૂન
આજકાલ વિદ્યાર્થીઓને વિદેશ જઇને ડિગ્રી લેવાનું ઘેલું લાગ્યું છે. તેમાં પણ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જવાની માગ વધી છે. પરંતુ ભણવા માટે આ દેશોમાં જે અરજી કરવામાં આવે છે તેમાં લાંબી પ્રક્રિયાને કારણે અનેક વિદ્યાર્થીઓએ વિદેશ જવાની પોતાની યોજના અભેરાઇએ ચડાવી દીધી છે. તેના કારણે વિદ્યાર્થીઓ લોન લેવાનું ટાળ્યું હોવાથી શૈક્ષણિક લોનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
એક અહેવાલ પ્રમાણે શૈક્ષણિક લોન લેનારાઓની સંખ્યા 20221માં 26 હજારથી વધુ હતી તે 2021-22માં ઘટીને 15 હજારની આસપાસ આવી ગઇ છે જે આશરે 40થી 45 ટકાનો ઘટાડો દર્શાવે છે એમ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)-ગુજરાતના તાજેતરમાં અહેવાલમાં દર્શાવ્યુ હતું. જ્યારે કોવિડ પૂર્વેના સ્તરની તુલનામાં આશરે 60 ટકાનો ઘટાડો થયો છે.
વિસાની મુશ્કેલીને કારણે અનેક વિદ્યાર્થીઓએ ક્યાંતો વિદેશ જવાનું ટાળ્યુ છે અથવા પ્રથમ સેમેસ્ટર ઓનલાઇન કરવાનું પસંદ કર્યુ છે. કોવિડ 19ને કારણે વિસા એપોઇન્ટમેન્ટ ન મળતા અને શૈક્ષણિક લોન લેનારાઓની સંખ્યા ઘટી છે.
અહેવાલમાં વધુમાં જણાવ્યુ હતુ કે રોગચાળાને કારણે વિદેશી શિક્ષણ માટેની અરજીઓમાં ઘટાડો થયો છે. ભારત જ્યારે કોવિડ-19ની બીજી લહેરમાંથી પસાર થતુ હતુ ત્યારે મુસાફરી પર પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા. બાદમાં નિયંત્રણો અને વિદેશમાં ભણતર ખર્ચ વધતા અસંખ્ય વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું માંડી વાળ્યુ હતુ અને ઓનલાઇન કોર્સીસ પસંદ કર્યા હતા. બેન્ક દ્વારા અપાતી લોનમાં વિદેશી શૈક્ષણિક લોનનો ઘણો મોટો ભાગ હોય છે.
ઉપરાંત અનેક દેશોએ ફ્લાઇટની આવનજાવન પર નિયંત્રણો મુકી દીધા હતા અને વિસાની ઉપલબ્ધતા પણ એક સમસ્યા હતા. પરિણામે શૈક્ષણિક લોન ડીસ્બર્સલમાં ઘટાડો થયો છે. જોકે બેન્કિગ નિષ્ણાત રાગેશ સરૈયાના અનુસાર હવે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેમ દેખાય છે. છતા પણ કોરોનાએ ફરીથી માથ ઊંચક્યુ છે ત્યારે વિદ્યાર્થીઓ લોન લેતા ખચકાય છે. કારણ કે વિદેશી યુનિવર્સિટીમાં એક વખત ફી ભર્યા પછી પાછી મળતી નથી અથવા તો પાછી મેળવવા ભારે મહેનત ઉઠાવવી પડે છે તે પણ શૈક્ષણિક લોનમાં ઘટાડો થવા પાછળનું મોટુ કારણ છે. કોરોના હળવો થશે તો જ લોન ડીસ્બર્સલમાં વધારો થવાની શક્યતા છે કેમ કે લોકો પહેલેથી લોનના ભારણ હેઠળ દબાયેલા છે.