ઈજિપ્ત ભારત પાસેથી 1.8 લાખ ટન ઘઉં ખરીદશે

નવી દિલ્હી, તા . 28 જૂન
ભારતે મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે છતાં ઘઉંની જરૂરિયાતવાળા દેશોમાં તેની નિકાસ કરવાની છૂટ આપી છે. તે અન્વયે ઈજિપ્ત ભારતમાંથી 1.8 લાખ ટન ઘઉંની આયાત કરશે. આ જથ્થો અગાઉ નક્કી કરાયો હતો,  તેનાથી ઓછો છે. યુક્રેનના યુદ્ધને કારણે ઈજિપ્ત ઘઉંની આયાત માટેના અન્ય વિકલ્પો ચકાસી રહ્યું છે. ઈજિપ્ત વિશ્વમાં ઘઉંના સૌથી મોટા આયાતકાર દેશમાંનો એક છે. રશિયા અને યુક્રેન તેના મુખ્ય નિકાસકારો છે. યુક્રેન યુદ્ધને કારણે ઈજિપ્તનો આયાત ખર્ચ પણ વધ્યો છે. ઈજિપ્ત પોતાના 7 કરોડ લોકોને ખૂબ જ રાહતભર્યા ભાવે બ્રેડ આપે છે.
ઈજિપ્તના પુરવઠા પ્રધાન અલી મોસેલીએ જણાવ્યું હતું કે, અગાઉ ઈજિપ્ત ભારતમાંથી 5,00,000 ટન ઘઉંની આયાત કરવાનું હતું પરંતુ ઘઉંના ઓછા ઉત્પાદનને કારણે ભારતે મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારબાદ ઈજિપ્ત જેવા દેશોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશોમાં નિકાસની છૂટ આપી.
જોકે, ભારતે એવી શરત મૂકી કે, તેના બંદર પર ઘઉંનો જેટલો જથ્થો હાજર હશે તેટલા જ ઘઉંની નિકાસ થઈ શકશે. ઈજિપ્ત તો 5 લાખ ટન ઘઉં લેવા તૈયાર હતું,  પરંતુ ભારતીય બંદરો પર 1.80 લાખ ટન ઘઉં હાજર હતા એટલે તેટલા ઘઉંની નિકાસની મંજૂરી મળી છે.
ઈજિપ્તે વધુ ઘઉંની આયાત માટે રશિયન નિકાસકારો સાથે પણ વાતચીત કરી છે.
ઈજિપ્ત તેના ઘઉંમાંથી વધુ લોટ મળે તે માટેના પ્રયત્ન પણ કરે છે. ઈજિપ્તના લોકોને સરકાર તરફથી અત્યંત રાહત ભાવે જે બ્રેડ આપવામાં આવે છે તેના ઘઉંમાંથી પહેલા 82 ટકા જેટલો લોટ મળતો હતો. તેમાં હવે વધારો કરીને લગભગ 87.5 ટકા જેટલો લોટ મેળવવામાં આવે છે.
ઈજિપ્ત લગભગ 5 લાખ ટન ઘઉંનો જથ્થો અનામત રાખવા માગે છે. 2022-23ના વર્ષમાં 5થી 5.5 લાખ ટન ઘઉંની આયાત કરવાનો તેનો ઈરાદો છે.
ઈજિપ્તના 39 લાખ ટન સ્થાનિક ઘઉંની ખરીદી પછી ઈજિપ્ત પાસે ઘઉંનો 5.7 મહિના ચાલી શકે એટલો જથ્થો છે જે તેમ મોસેલીએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer