રૂના ઉત્પાદન અંદાજમાં વધુ ઘટાડો : સીએઆઈ

મુંબઈ, તા. 28 જૂન 
કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ વર્ષ 2021-22ની સિઝન માટે રૂનો ઉત્પાદન અંદાજ વધુ 8.31 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિલો) ઘટાડીને 315.32 લાખ ગાંસડી કર્યો છે. અગાઉ 323.63 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ હતો. એસોસીએશને રૂના વપરાશનું અનુમાન પણ 320 લાખ ગાંસડીથી ઘટાડીને 315 લાખ ગાંસડી કર્યું છે, જ્યારે આયાત અને નિકાસના અંદાજો જાળવી રાખ્યા છે. 
રૂની ઉપલબ્ધિ મર્યાદિત બનતાં દેશની મોટાભાગની જાનિંગ અને પ્રેસિંગ મિલોએ રૂનો નવો પાક બજારમાં ન આવે ત્યાં સુધી કામકાજ અટકાવ્યાં છે. રૂની નવી આવકો આ વર્ષે અૉક્ટોબરમાં મંડીઓમાં આવશે. આશરે 3500 મિલોમાંથી માંડ પાંચથી સાત ટકા મિલોનાં કામકાજ ચાલુ છે, કેમકે ઘરઆંગણાના બજારમાં રૂના ભાવ અત્યંત ઊંચા છે, એમ કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું. 
ગણાત્રાએ કહ્યું કે સટ્ટાકીય પ્રવૃત્તિઓને કારણે બજારમાં રૂના ભાવમાં કૃત્રિમ વધારો જોવા મળી રહ્યો છે અને તેનાથી મિલોનાં કામકાજ નાણાંકીય રીતે પરવડે તેવાં નથી રહ્યાં. સામાન્ય રીતે જિનરો પોતાનાં અંતિમ ઉત્પાદનો સ્પિનરોને વેચે છે. પરંતુ સ્પાનિંગ મિલોનો વપરાશ 30થી 35 ટકા જેટલો ધરખમ ઘટ્યો છે. સ્પિનરો દ્વારા વપરાશ અગાઉ 29 લાખ ગાંસડી (170 કિલો પ્રતિ ગાંસડી)થી ઘટીને 22 લાખ ગાંસડી થયો છે. કાચા માલના ઊંચા ભાવને કારણે સ્પિનરોની માગ પણ દિવસેને દિવસે ઘટતી જાય છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer