અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 28 જૂન
ક્રૂડતેલની વધતી જતી આયાતને પગલે ભારતે પ્રતિબંધોનો સામનો કરતા રશિયામાંથી એપ્રિલમાં 2.3 અબજ ડૉલરની કુલ આયાત કરી છે જે ગયા વર્ષના એપ્રિલ કરતાં 3.5 ગણી છે. એપ્રિલમાં ભારતે રશિયામાંથી 1.3 અબજ ડૉલરના ક્રૂડતેલની આયાત કરી જે એપ્રિલમાં રશિયાથી કુલ આયાતના 57 ટકા છે.
આ ઉપરાંત ભારતે રશિયાથી કોલસો, સોયાબીન, સૂર્યમુખી તેલ, ખાતર તથા હીરાની આયાત કરી હતી. એપ્રિલમાં રશિયા ભારતને ક્રૂડતેલનો પુરવઠો પૂરો પાડનારો વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ બન્યો હતો.
ઈરાક, સાઉદી અરેબિયા તથા યુએઈ ભારતના ક્રૂડતેલના ત્રણ સૌથી મોટા સપ્લાયરો છે.
આયાતની વાત કરીએ તો આ વર્ષે રશિયા ભારતને સૌથી વધુ માલ પૂરો પાડનારો છઠ્ઠો સૌથી મોટો દેશ છે. ગયા વર્ષે રશિયા ભારતને ક્રૂડતેલની નિકાસ કરતો સાતમો સૌથી મોટો દેશ હતો. જ્યારે આયાતની બાબતમાં ગયા વર્ષે રશિયાનો 21મો નંબર હતો. એપ્રિલમાં રશિયા 2.42 અબજ ડૉલરના વેપાર સાથે ભારતનો નવમા ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ હતો.
રશિયાએ ભારતમાંથી ઈલેક્ટ્રિકલ મશીનરી તથા સાધનો, લોખંડ અને સ્ટીલ, દવાઓ અને અન્ય ચીજ વસ્તુઓ, દરિયાઈ પેદાશ તથા વાહનોના પૂરજાની આયાત કરી હતી.
24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારબાદ અમેરિકા તથા સાથી દેશોએ રશિયાને એકલું પાડી દેવા માટે વિવિધ આર્થિક પ્રતિબંધો લાદયા છે. તેના કારણે ક્રૂડતેલના ભાવ વધ્યા હતા. આ સંજોગોમાં ભારતે રશિયામાંથી ક્રૂડતેલની આયાત વધારી હતી. પશ્ચિમના દેશોના દબાણને વશ થયા વગર ભારતે તટસ્થ વલણ અપનાવ્યું હતું અને રશિયા સાથેના તેના ઐતિહાસિક સબંધો જાળવી રાખ્યા હતા. રશિયા પરના આર્થિક પ્રતિબંધોની પરવા કર્યા વિના ભારતે તેની સાથેના વ્યાપારી સંબંધો જાળવી રાખ્યા તેની વિશ્વમાં ટીકા થઈ હતી. જોકે, આર્થિક પ્રતિબંધોમાં પેટ્રો પેદાશોનો સમાવેશ નથી થતો તેવું વલણ ભારતે લીધું હતું.