નવી દિલ્હી, તા. 28 જૂન
રશિયાએ યુક્રેન પર આક્રમણ ર્ક્યા બાદ પશ્ચિમના દેશોએ રશિયા પર લાદેલા વિવિધ પ્રતિબંધોને કારણે રશિયા વિદેશી દેવું ચૂકવવામાં ડિફોલ્ટર થયું છે. રશિયાએ વ્યાજ પેટે 10 કરોડ ડૉલર 27મે સુધીમાં ચૂકવવાના હતા જેની મુદત 26 જૂન સુધી લંબાવવામાં આવી હતી. પરંતુ દેશ પરની આકરા પ્રતિબંધોને કારણે રશિયા ચૂકવણું કરી શકયું નથી.
પશ્ચિમના દેશોઓએઁ રશિયા પર અત્યારસુધીના સૌથી કડક આર્થિક પ્રતિબંધો નાંખ્યા હોવાથી રશિયા માટે બીજા દેશોને ચૂકવણી કરવાના તમામ માર્ગ બંધ થઈ ગયા હતા. આ સંજોગોમાં છેલ્લા 100 વર્ષના ગાળામાં પહેલીવાર એવું બન્યું છે કે રશિયા પોતાના વિદેશી ચલણનું રાષ્ટ્રીય કરજ ચૂકવી શકયું નથી.
કડક આર્થિક પ્રતિબંધોમાંથી રસ્તો કાઢીને પોતાનું દેવું ચૂકતે કરવા માટે રશિયાએ ઘણા પ્રયત્નો ર્ક્યા પરંતુ તે નિષ્ફળ ગયા. રશિયાના વ્યાજની ચૂકવણીની અંતિમ તારીખ 26 જૂન સુધી લંબાવવામાં આવી આમ છતાં પણ રશિયા પોતાનું કરજ ચૂકવવાનો કોઈ યોગ્ય માર્ગ શોધી શકયું નહીં અને નાદાર થયું.
આર્થિક તેમ જ રાજકીય રીતે ઝડપથી વિકસિત બનેલા રશિયાને નાદારીની કાળી ટીલી લાગી ગઈ. માર્ચની શરૂઆતથી જ રશિયાનાં યુરોબોન્ડના ભાવ ગગડી ગયા છે તથા દેશની મધ્યસ્થ બૅન્કનું વિદેશી હૂંડિયામણ થીજાવી દેવામાં આવ્યું છે. તેની મોટી બૅન્કોને વૈશ્વિક નાણાંકીય સિસ્ટમથી અલગ કરી દેવામાં આવી છે.
રશિયા પોતે વધી ગયેલા ફૂગાવાને કારણે સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આમ તો રશિયાની નાદારી પ્રતિકાત્મક છે કેમ કે રશિયા એટલું સક્ષમ છે કે તે ગમે તેટલું દેવું ચૂકવી શકે પરંતુ તે ના ચૂકવી શકે તે મુજબનું દબાણ ઊભું કરવામાં આવ્યું છે. ગયા સપ્તાહમાં જ રશિયાએ જાહેર ર્ક્યુ હતું કે તેના 40 અબજ ડૉલરના કરજને તે રુબલમાં ચૂકવી શકે છે. પશ્ચિમના દેશોએ આ ચૂકવણી અન્ય કોઈપણ ચલણમાં ન કરવા દેવા માટે પ્રતિબંધોની માયાજાળ ઊભી કરી છે. એક આર્થિક નિષ્ણાતે જણાવ્યું હતું કે આ પ્રકારની નાદારી અત્યંત વિરલ છે. કોઈ દેશ બધી રીતે સક્ષમ હોવા છતાં બીજા દેશની સરકારો તેને નાદાર થવા માટે મજબૂર કરે તે એક ઐતિહાસિક ઘટના છે.
આ સંજોગોમાં સામાન્યરીતે રેટિંગ એજન્સીઓ સંબંધિત દેશને નાદાર જાહેર કરતી હોય છે, પરંતુ પશ્ચિમના દેશોના પ્રતિબંધોને કારણે તેમણે રશિયાના તમામ રેટિંગ પાછાં ખેંચી લીધાં છે.
જે ધિરાણકારોના બોન્ડની મુદત 26 જૂને પૂરી થઈ ગઈ હોય તેમાંથી 25 ટકા લેણી રકમના ધિરાણકારો જે સંમત થાય તો રશિયાને વિધિવત્ નાદાર જાહેર કરી શકાય. હાલમાં તો ધિરાણકારોએ તાત્કાલિક કાંઈ કરવાની જરૂર નથી. યુદ્ધની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય અને રશિયા પરના પ્રતિબંધો હળવા થાય તેની તેઓ રાહ જોઈ શકે. તેમનાં બોન્ડની શરતો મુજબ ચૂકવણીની અંતિમ તારીખથી ત્રણ વર્ષ સુધી ધિરાણકર્તા પોતાના નાણાંનો દાવો કરી શકે.
નોમુરાના એક અર્થશાત્રીએ ટોકિયોમાં જણાવ્યું હતું કે મોટા ભાગના બોન્ડ ધારકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે.
1998માં જ્યારે રશિયામાં આર્થિક કટોકટી થઈ અને રૂબલના ભાવ ગગડી ગયા ત્યારે તેના પ્રમુખ બોરિસ યેલ્ટસીનની સરકારે તેનું 40 અબજ ડૉલરનું સ્થાનિક દેવું ચૂકવી શકી ન હતી. અગાઉ 100 વર્ષ પહેલાં 1918માં સામ્યવાદી ક્રાંતિના સમયે વ્લાદિમીર લેનિને અગાઉના ઝારના સમયના દેવાને ચૂકવવાનો ઈન્કાર ર્ક્યો હતો.
અત્યારના હિસાબે એ રકમ એક લાખ કરોડ ડૉલર જેટલી થાય એમ લૂમીઝ સેયલ્સના માલિકે જણાવ્યું હતું. તેની સરખામણીમાં એપ્રિલના પ્રારંભે વિદેશીઓ પાસે રશિયાનાં આશરે 20 અબજ ડૉલરનાં મૂલ્યનાં યુરો બોન્ડ હતાં.