ચાઈનીઝ શેલ કંપનીઓ સ્થાપવામાં 400 સીએ-સીએસની સંડોવણી

નવી દિલ્હી, તા. 28 જૂન 
કંપની બાબતોના મંત્રાલય દ્વારા વારંવાર ચેતવણી અપાયા છતાં સહેલાઈથી મોટી રકમ રળી લેવાની લાલચે લગભગ 400 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) અને કંપની સેક્રેટરીઝ (સીએસ)એ ચાઇનીઝ પિપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના અંકુશ હેઠળની કંપનીઓને ભારતમાં શેલ કંપનીઓ સ્થાપવામાં મદદ કરી છે. 
પીએલએ આ શેલ કંપનીઓની સ્થાપના બાદ તેના દ્વારા ભારતમાંથી ડેટા અને બૌદ્ધિક સંપત્તિની ચોરી કરી રહી છે અને સરવાળે અનેક વર્ષોથી ચીનની કંપનીઓ ઉપરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરી રહેલા ભારતીય અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે. મોટી ચાઈનીઝ કંપનીઓ ભારતમાં વેપાર કરવા જાણીતી એકાઉન્ટિંગ કંપનીઓની સેવા લે છે, જ્યારે પીએલએનો ટેકો ધરાવતા આ શેલ કંપનીઓના સ્થાપકો વ્યક્તિગત સીએ અને સીએસનો સંપર્ક કરે છે. સંડે ગાર્ડિયનના અહેવાલ અનુસાર આ મહિનાની શરૂઆતમાં કંપની બાબતોના મંત્રાલયે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરતી સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ને વિગતવાર ફરિયાદ મોકલી છે. આ ફરિયાદમાં ચાઈનીઝ શેલ કંપનીઓ સ્થાપવામાં મદદ કરનારા સીએના નામ સાથેની વિગતો જણાવાયેલી છે અને ઈન્સ્ટિટ્યૂટને તેમની સામે પગલાં લઈને તેનો અહેવાલ મંત્રાલયને સોંપવા જણાવાયું છે. આ જ પ્રકારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ને પણ પગલાં લેવા જણાવાયું છે. 
કાયદા અને નિયમોને નેવે મૂકીને ચીનને શેલ કંપનીઓ દ્વારા 400 જેટલા સીએ અને સીએસએ મદદ કરી છે. 16મી જૂન, 2020ના રોજ ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને પીએલએ વચ્ચે થયેલી હિંસક અથડામણો બાદ ચીને લદાખના ભારતીય અંકુશ હેઠળના વિસ્તારો ઉપર ઘૂસણખોરી કરી હતી. આ અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હતા. તે પછી ભારત સરકારે ભારતમાંથી નફો રળતી ચીનની કંપનીઓ સામે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ત્રાટકવા સહિતના વિવિધ પગલાં લીધાં હતાં. 
વડા પ્રધાન કાર્યાલયને ચિંતા એ વાતની છે કે કંપની બાબતોના મંત્રાલયે આવા ભ્રષ્ટ સીએ અને સીએસ ઓળખી કાઢ્યા હોવાની ઘટના પહેલવહેલી નથી. અગાઉ 23મી ફેબ્રુઆરી, 2022ના રોજ મંત્રાલયે ચીનની 174 શેલ કંપનીઓની વિગતો મોકલી હતી, જે ભ્રષ્ટ સીએ-સીએસ દ્વારા સ્થાપવામાં આવી હતી. આ સીએ-સીએસ સામે વ્યવસાયિક ગેરવર્તણૂક અને કાયદા મુજબ તેમની જવાબદારીઓ નહીં નિભાવવાના પગલા લેવા જણાવાયું હતું. 
આ યાદીની સમીક્ષા કરીએ તો, તેમાંની મોટા ભાગની કંપનીઓ જ્યારે ચીનના સૈન્યે વર્ષ 2019ના અંતે ભારતીય સીમાના વિવાદિત વિસ્તાર ઉપર કબજો જમાવવાનું શરૂ કર્યું હતું, તે જ સમયે સ્થપાઈ હતી. જ્યારે કેટલીક કંપનીઓ ગલવાનની ઘટના સમયે સ્થપાઈ હતી. આમાંની મોટા ભાગની કંપનીઓ હજુ કાર્યરત છે. અનેક કિસ્સામાં એક જ સીએ દ્વારા આવી વિવિધ કંપનીઓ સ્થપાઈ હોવાનું જોવા મળે છે. મંત્રાલયના ભૂતપૂર્વ જોઈન્ટ ડાયરેક્ટરે જણાવ્યા મુજબ આ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સીએ અને સીએસ રાજકીય વગ ધરાવતા હોવાથી કોઈ ડર રાખતા નથી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer