સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર 1 જુલાઈથી પ્રતિબંધ

એજન્સીસ                       
નવી દિલ્હી, તા. 28 જૂન
 એકવાર વપરાતા (સિંગલ યુઝ) પ્લાસ્ટિકને લીધે પર્યાવરણને થતું નુકસાન નિવારવા કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે જે પહેલી જુલાઈથી અમલી બનશે. સરકારના વૈશ્વિક પર્યાવરણ ધ્યેયને ધ્યાનમાં લઈને પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે. આવા પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સ્ટોક, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુકાશે. આ પ્રતિબંધ એક ઝાટકે મૂકવાને બદલે તબક્કાવાર મુકવાનો અનુરોધ ધ થર્મોફોર્મર્સ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને સોમવારે સરકારને કર્યો હતો. 
સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે સમુદ્રી વાતાવરણ અને અન્ય ઈકોસીસ્ટમ પર નકારાત્મક અસર પડે છે એ વાત વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલી છે. આ નિર્ણયને પગલે પ્લાસ્ટીકની અનેક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ આવી જશે જેમાં પ્લેટસ, કપ્સ, ગ્લાસીસ, કટલેરી, ટ્રે, આઈસ ક્રીમ સ્ટીક્સ વગેરેનો સમાવેશ થશે.   
આવા પ્લાસ્ટીકના ગેરકાનૂની વપરાશ પર નજર રાખવા માટે રાષ્ટ્રીય તેમ જ રાજ્યોના સ્તરે કંટ્રોલ રૂમ્સ ઊભા કરવા જોઈએ એમ સરકારે કહ્યું છે. 75 માઈક્રોનથી ઓછી જાડાઈની કેરી બેગ્સ પર અત્યારે પ્રતિબંધ છે જયારે 120 માઈક્રોનથી ઓછી જાડાઈની કેરી બેગ્સ પર ડીસેમ્બરની 31 તારીખ પછી પ્રતિબંધ આવશે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer