રૂપિયો નવા તળિયે : ડૉલર 46 પૈસા વધીને રૂા. 78.83

પીટીઆઈ
મુંબઈ, તા. 28 જૂન 
રૂપિયો આજે ડૉલર સામે નવા તળિયે પટકાયો હતો. તેલના ભાવમાં આવેલો ઉછાળો અને વિદેશી મૂડીની સતત જાવક વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે ગઈ કાલથી 46 પૈસા ઘટીને રૂા. 78.83ના સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. રૂા. 78.53ની નબળી શરૂઆત બાદ સત્ર દરમિયાન એક તબક્કે તે 78.85 થયો હતો.
`શૅરબજારમાં ઘટાડો, વિદેશી રોકાણ સંસ્થાઓની એકધારી વેચવાલી અને ક્રૂડતેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો.' એમ બીએનપી પારિબાના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
વિશ્વનાં છ ચલણો સામે ડૉલરની મજબૂતી દર્શાવતો ડૉલર ઈન્ડેક્સ નજીવા સુધારે 103.95 ચાલતો હતો.
બજારો ફેડરલ રિઝર્વના દરવધારા વિશે અનુમાન કરી રહ્યાં છે. ખેલાડીઓ પર અમેરિકાના ગ્રાહક વિશ્વાસ સંબંધી આંકડા પર નજર રાખી રહ્યાં છે જે ગયા મહિના કરતાં ઘટીને આવવાની ધારણા છે. આ સપ્તાહના અંતે ફેડના અધ્યક્ષ યુરોપિયન સેન્ટ્રલ બેન્કની બેઠકમાં શું કહે છે તેના પરથી બજારોની ચાલ નક્કી થશે. આજે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.89 ટકા વધીને 117.26 ડૉલર થયું હતું. વિદેશી રોકાણ સંસ્થાઓએ સોમવારે દેશનાં મૂડીબજારોમાં રૂા. 1278.42 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer