તૈયાર વસ્ત્રોનાં ઉત્પાદન માટે સ્વતંત્ર પીએલઆઈ સ્કીમ તૈયાર થઈ રહી છે : પીયૂષ ગોયલ

એજન્સીસ
કોઈમ્બતુર, તા. 28 જૂન
એપરલ ક્ષેત્ર માટે પ્રોડકશન-લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ લાવવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. આ સંબંધી કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલય ટૂંકમાં જ દરખાસ્ત કેબિનેટને મોકલનાર હોવાનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર એપરલ ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા બીજી પીએલઆઈ સ્કીમ લાવવા ઉત્સુક છે. આ અંગે ટેક્સ્ટાઈલ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન અૉફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ અને નીતિ આયોગ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે રૂા. 1.97 લાખ કરોડની જોગવાઈ સાથે પીએલઆઈ સ્કીમ ડઝન જેટલા ક્ષેત્રો માટે જાહેર કરી હતી. આમાં મેન મેઈડ ફાઈબર, ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ, વ્હાઈટ ગુડ્સ, મેડિકલ ડીવાઈસીસ, અૉટોમોબાઈલ્સ અને અૉટો કોમ્પોનન્ટસ ક્ષેત્રનો સમાવેશ થતો હતો.
કોઈમ્બતુરમાં સીમા ટેક્સફેર 2022ને સંબોધતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઈલ ક્ષેત્ર માટે એક પીએલઆઈ સ્કીમ છે અને હવે એપરલ ક્ષેત્ર માટે બીજી પીએલઆઈ સ્કીમ જાહેર કરાશે.
કોરોના કાળમાં પીપીઈ કીટસની ખેંચ હતી. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પીપીઈ કીટ્સના ઉત્પાદન માટે ટેક્સ્ટાઈલ ક્ષેત્રને અનુરોધ કર્યો હતો. આજે વિશ્વમાં પીપીઈના ઉત્પાદનમાં ભારત દ્વિતીય સૌથી મોટો ઉત્પાદક ગણાય છે. વળી ભારત અન્ય દેશોમાં તેની નિકાસ પણ કરે છે.
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતીય ટેક્સ્ટાઈલ ક્ષેત્ર આગામી પાંચ વર્ષમાં 250 અબજ ડૉલરનું કદ હાંસલ કરી લેશે એવી ધારણા છે. આનો 40 ટકા હિસ્સો નિકાસનો હશે.
ટેક્સ્ટાઈલ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બિઝનેસમાં રહેવાનો બિઝનેસ સરકારનો નથી. નેશનલ ટેક્સ્ટાઈલ કોર્પોરેશન (એનટીસી) કરદાતાઓના નાણાથી ચાલે છે. એનટીસીને પ્રોફેશનલી અને નફાકારક રીતે ચલાવી શકાય કે નહીં - તેની અમે ચકાસણી કરી રહ્યા છીએ.
રૂના ભાવો ઘટવા શરૂ થયા છે અને હવે તે પરવડી શકે તે સ્તરે છે. સમર્થ સ્કીમ હેઠળ બે લાખ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. આમાંથી 1.7 લાખ ઉમેદવારોને તામિલનાડુમાં પ્લેસમેન્ટ તક મળી ગઈ છે.
વિદેશી રાષ્ટ્રો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે યુએઈ અને અૉસ્ટ્રેલિયા જોડે એફટીએ થઈ ગયા છે. હવે ઈઝરાયલ, યુકે, કેનેડા, યુરોપિયન યુનિયન જોડે એફટીએની મંત્રણા આખરી તબક્કામાં છે. કેનેડા અર્લી હાર્વેસ્ટ એગ્રિમેન્ટ 2022 પહેલા નક્કી કરવા સહમત થઈ ગયું છે.
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે અમે સાહસિકોને અને સ્ટાર્ટઅપ્સને પ્રોમોટ કરવા ઉપરાંત અનુપાલનના ધોરણો ઘટાડી રહ્યા છીએ. 31,000થી વધુ ધોરણો રદ કરાયા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer