ચીન, ઓમાન, યુએઈ, ઈજિપ્ત, યુક્રેન મુખ્ય નિકાસકાર દેશો
નવી દિલ્હી, તા. 28 જૂન
ભારત સૌપ્રથમવાર અમેરિકાથી મોટા જથ્થામાં યુરિયાની આયાત કરી રહ્યો છે. ટેકનોલોજી ક્ષેત્રની કદાવર કંપની સેમસંગે અમેરિકાના ન્યુ ઓરલિયન્સ બંદરેથી ગયા સપ્તાહે 47,000 ટન યુરિયા ન્યુ મેંગલોર બંદર માટે રવાના કર્યું છે.
અમેરિકાએ પ્રતિ ટન 716.5 ડોલરના કોસ્ટ પ્લસ ફ્રેઇટ (સીએફઆર) દરે યુરિયાની નિકાસ કરી છે. અમેરિકાથી નૂર ભાડું આશરે 65 ડોલર વત્તા માલવાહક નૌકામાં ચડાવવાના 10-15 ડોલર હશે તેવી ધારણા છે. એટલે એકંદર ફ્રી-ઓન-બોર્ડ (એફઓબી) મૂળ ભાવ નિકાસ પડતર કિંમત પ્રતિ ટન 635-640 જેટલો પડશે.
અમેરિકા યુરિયાનો કોઈ મોટો નિકાસકાર દેશ નથી અને વાણિજ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વર્ષ 2019-20માં અમેરિકાએ ભારતને ફક્ત 1.47 ટન, 2020-21માં 2.19 ટન અને 2021-22માં 43.71 ટન ખાતરની નિકાસ કરી હતી. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ કંપનીએ 11મી મેના રોજ યુરિયાની આયાત માટે ટેન્ડર જાહેર કર્યાં હતાં, જેના ભાગરૂપે અમેરિકા 47,000 ટન યુરિયા નિકાસ કરી રહ્યો છે. ટેન્ડર દ્વારા કંપની વિવિધ સપ્લાયરો પાસેથી પ્રતિ ટન 716-721ના સીએફઆરએ 16.5 લાખ ટન યુરિયાની આયાત કરી રહી છે.
આગામી મહિનાઓમાં અમેરિકાથી યુરિયાનો વધુ જથ્થો ભારતીય બંદરોએ આવી પહોંચશે. આ આયાતને પગલે આપણાં આયાત સંસાધનોમાં વિવિધતા આવશે અને અન્ય નિકાસકારોને સંદેશ પહોંચે છે.
નાણાં વર્ષ 2022માં ભારતે 6.52 અબજ ડોલર ચૂકવીને 1.16 કરોડ ટન યુરિયા આયાત કર્યું હતું. આ જથ્થો મુખ્યત્વે ચીન, ઓમાન, યુએઈ, ઈજિપ્ત અને યુક્રેન પાસેથી ખરીદવામાં આવ્યો હતો. યુએસ ગલ્ફ વાયદામાં દાણેદાર યુરિયાના એફઓબી રેટ જૂન માટે પ્રતિ ટન 500 ડોલર અને જુલાઈ ડિલિવરી માટે 455 ડોલર છે. મધ્ય પૂર્વના માલ માટે વાયદા પ્રતિ ટન 610 અને 595 ડોલર છે. નૂર ખર્ચ પણ ઓછો છે. ઉપરાંત અમેરિકાથી માલ પહોંચતા 35 દિવસ, જ્યારે મધ્ય પૂર્વથી ફક્ત 5-10 દિવસ લાગે છે. પરંતુ એફઓબી ઉપર આંતરરાષ્ટ્રીય કિંમતો કરતાં મોટા ડિસ્કાઉન્ટથી આ બધું સરભર થઈ જાય છે.