નિકાસ બજાર ઉપર ઈજિપ્ત પછી હવે થાઈલૅન્ડની નજર
ચેન્નાઈ, તા. 28 જૂન
પશ્ચિમ એશિયા, ખાસ કરીને સાઉદી અરેબિયાના બજારને ધ્યાનમાં રાખીને ઈજિપ્ત પછી હવે થાઇલેન્ડ પણ બાસમતિ ચોખા ઉગાડવા તત્પર બન્યું છે. તાજેતરમાં જ સાઉદી અરેબિયા સાથે સંપૂર્ણ રાજદ્વારી જોડાણો સાધવા બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. છેલ્લા ત્રણ દાયકાથી બંને દેશોનાં દ્વિપક્ષીય જોડાણો ખોરંભે પડ્યા છે. ભારતની બાસમતિ ચોખાની નિકાસમાં પશ્ચિમ એશિયાનાં બજારો 70 ટકા હિસ્સો નોંધાવે છે.
થાઈલેન્ડના એક અખબારે તેના તંત્રીલેખમાં બાસમતિ માટે સાવચેતીપૂર્વક આગળ વધવા જણાવ્યું છે. થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચા-ઓ-ચાએ સંબંધિત એજન્સીઓને સાઉદી અરેબિયા સાથે સહયોગ વધારવાની સૂચના આપી છે. તેમણે સાઉદી અરેબિયાને નિકાસ કરવા માટે બાસમતિ ચોખાનું વાવેતર કરવાના આદેશ પણ આપ્યા છે.
થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ જણાવ્યા મુજબ સાઉદી અરેબિયાની બાસમતિ ચોખાની માગ આશરે ત્રણ કરોડ ટન છે. દક્ષિણ-પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોમાં વૈકલ્પિક પાક તરીકે બાસમતિ ચોખાના વાવેતરને પ્રોત્સાહનનું પગલું સારું હોવાનું જણાવતા અખબારે નોંધ્યું છે કે બાસમતિના ભાવ થાઈલેન્ડમાં ઉગતા જાસ્મિન ચોખા કરતાં વધુ મળતા હોવાથી સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.
ઈજિપ્તે બાસમતિ ચોખા ઉગાડવાનો નિર્ણય લીધાના 10 મહિના બાદ થાઈલેન્ડ પણ એ દિશામાં આગળ વધ્યું છે. જોકે, ઈજિપ્તના અધિકારીઓ જણાવે છે કે એમના દેશમાં ઉગેલા બાસમતિ ચોખા ઘરઆંગણે વપરાશે કે તેની નિકાસ થશે તે નક્કી નથી. જોકે, થાઈલેન્ડ બાસમતિ ઉગાડી શકશે કે નહીં તે જ મોટો સવાલ છે. જો થાઈલેન્ડ બાસમતિ ચોખા ઉગાડશે તો ભારત બાસમતિ ચોખા માટે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) ધરાવતો હોવાથી રક્ષણ મેળવી શકે છે. થાઈલેન્ડ સામે કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરી શકાય છે.
બાસમતિ રાઇસ : ધ નેચરલ હિસ્ટરી જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન - પુસ્તકના લેખક એસ. ચંદ્રશેખરને જણાવ્યું કે ભારત વિકસાવેલી જાતની નિકાસ કરતો હોવાથી તેને માટે સમસ્યા સર્જાઇ શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય બાસમતિ પોતાની રોનક ગુમાવી રહ્યાં છે. જીઆઈ ટૅગ મેળનવારા દેશો જો પ્રોડક્ટ ધોરણો મુજબની ન હોય તો ત્રીજા પક્ષ દ્વારા ટૅગ વાપરવા સામે વાંધો ઉઠાવી શકે છે. પરંતુ ભારતને આવું રક્ષણ મળી શકે તેમ નથી. કેમકે ચોક્કસ પ્રોડક્ટ માટે જીઆઈ ટૅગ ધરાવતો દેશ અન્ય કોઈ દેશને એ જ ટેકનિક વાપરીને ધોરણો મુજબ એ જ પ્રોડક્ટનું ઉત્પાદન કરતા રોકી શકે નહીં.
અૉલ ઈન્ડિયા રાઈસ એક્સ્પોર્ટર્સ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિજય કુમાર સેટિયા કહે છે કે થાઈલેન્ડ ગમે તે નિવેદનો કરી શકે છે. પરંતુ ભારત 20 વર્ષથી બાસમતિ ચોખા માટે જીઆઈ ટૅગ ધરાવે છે. અમે આ ટૅગના રક્ષણ માટે દરેક જગ્યાએ લડી રહ્યા છીએ. થાઈલેન્ડ માટે બાસમતિ ચોખા ઉગાડવા મુશ્કેલ હશે. સાઉદી અરેબિયા પણ થાઈલેન્ડને બદલે ભારતના જ બાસમતિ પસંદ કરશે.