ભારતે 18 લાખ ટન ઘઉંની નિકાસ કરી

ઘઉં ઉપર નિકાસ પ્રતિબંધ બાદ  
તાજેતરમાં જ ઇજિપ્તનો 1.8 લાખ ટનનો ઓર્ડર મળ્યો છે
ડી. કે 
મુંબઈ, તા. 28 જૂન 
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યાને દોઢ મહિનાના ગાળામાં જ ભારતે એક ડઝન જેટલા દેશોમાં આશરે 18 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. જેમાં ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન જેવા પડોશીઓ ઉપરાંત હવે ઇજિપ્તનો પણ સમાવેશ થયો છે. હાલમાં ઇજિપ્તે 1,80,000 ટન ઘઉંની ખરીદીનો ભારતને ઓર્ડર આપ્યો હોવાના અહેવાલ છે. 
હાલમાં જર્મનીમાં યોજાયેલા એક સમારોહમાં ભારત સરકારના પ્રતિનિધિ અને કેન્દ્રિય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે ગઈ તા. 13મી મે, 2022ના રોજ ભારતે સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘઉની નિકાસ ઉપર નિયંત્રણો લાદ્યા છે. પરંતુ દેશની 138 કરોડની આબાદીને જરૂરી અનાજ મળી રહે તેની ખાતરી કરીને અન્ય માનવીય સહાયતા માટે વૈશ્વિક સમુદાયને મદદ કરવા ભારત હંમેશા તત્પર છે. અફધાનિસ્તાનને ભારતે 50,000 ટન ઘઉંનો પુરવઠો આપવાની ખાતરી આપી છે. જેમાંથી 33000 ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે.  
આ ઉપરાંત ઇન્ડોનેશિયા તથા બાંગ્લાદેશને પણ ભારતે એક-એક લાખ ટન મળીને કુલ બે લાખ ટન ઘંઉંનો પુરવઠો મોકલ્યો છે. ભારત દ્વારા પ્રતિબંધની જાહેરાત બાદ આ બન્ને દેશો ઉપરાંત યુએઇ, ઓમાન તથા યમન જેવા દેશોએ પણ દ્વિપક્ષિય વ્યાપાર કરાર અંતર્ગત ભારત પાસેથી ઘઉં લેવાની દરખાસ્ત મૂકી છે. 
 અગાઉ ઇજિપ્તે ભારતનાં એક કન્ટેનરને રિજેક્ટ કર્યું હોવા છતાં હાલમાં જ ઇજિપ્તે ભારતને 180000 ટન ઘઉંની ખરીદીના ઓર્ડર આપ્યા છે.  અગાઉ પણ ભારતે ઇજિપ્તને 61,500 ટન ઘઉંનો પુરવઠો મોકલાવ્યો હતો. યાદ રહે કે ઇજિપ્તની સરકારે મે-22માં જણાવ્યું હતું કે ઇજિપ્ત ભારત પાસેથી પાંચ લાખ ટન ઘઉંની આયાત કરશે. પરંતુ આ અંગેના કરાર થયા નહોતા. ભારતે વૈશ્વિક બજારમાં માત્ર મે-2022 માં જ કુલ 11.50 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી જેમાંથી પાંચ લાખ ટન ઘઉંની નિકાસ તો પ્રતિબંધ જાહેર થયા બાદ કરી હતી. આંકડા બોલે છે કે મે-22માં થયેલી ઘઉંની નિકાસ મે-21માં થયેલી નિકાસ કરતા લગભગ ત્રણ ગણી વધારે છે. 
ભારતે ઉતાવળમાં વૈશ્વિક મંચ ઉપર નિવેદન કર્યું હતું કે અમે આખા વિશ્વને ઘઉં પુરા પાડવા તૈયાર છીએ. ત્યારબાદ નીકળેલી ઘઊંની માગ તથા સ્થાનિક બજારમાં જોવા મળેલા ઉછાળા બાદ ફરી એકવાર સરકારે ઉતાવળમાં ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. પછી નિકાસકારોના માલ અટકી જતાં જે નિકાસના ઓર્ડર નીકળી ગયા હોય તેમને લેટર ઓફ ક્રેડિટ (એલ.સી) ના આધારે નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.   
ત્યારબાદ નિકાસકારો જૂની તારીખોની ખોટી અને ગેરકાયદે એલ.સી રજૂ કરતા હોવાના અહેવાલો આવ્યા એટલે ફરી સરકારે સૌને ચેતવણી આપી હતી કે જરૂર પડ્યે સી.બી.આઇ તથા ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા તપાસ થશે. 
અત્રે ખાસ નોંધનીય છે કે ઉપરોક્ત જણાવ્યા ઉપરાંત ભારતે અત્યાર સુધીમાં દ.ક્ષિણ કોરિયા, સુદાન, શ્રીલંકા, થાઇલેન્ડ, સ્વિટઝર્લેન્ડ તથા વિયેતનામ જેવા દેશોને પણ ઘઉંનો પુરવઠો મોકલાવ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer