જગન્નાથજીનો રૂ. 1.50 કરોડનો વીમો

જગન્નાથજીનો રૂ. 1.50 કરોડનો વીમો
અમદાવાદમાં 145મી રથયાત્રા
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 28 જૂન 
ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદની ગણાય છે. અષાઢી બીજ એટલે કે 1 જુલાઇના રોજ નીકળનારી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે ભગવાન જગન્નાથનો રૂ. 1.50 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. આ રથયાત્રામાં અગ્રભાગમાં  શણગારેલા 18 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજા અને ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી વધુ ખલાસીઓ હાજર રહેશે.  કોરોના પછી પ્રથમવાર પૂર્ણરીતે રથયાત્રા યોજાનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી અંદાજિત 2000થી વધુ સાધુ સંતો હાજર રહેશે. રથયાત્રાના સમગ્ર રુટમાં ભક્તોનો 3000 કિલો મગી, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ કિલો ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે.  
મળતી સમાચાર અનુસાર આ રથયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. જ્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રાના દિવસે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરશે. 29 તારીખના રોજ સવારે ગર્ભ ગૃહ પ્રવેશ તેમજ નેત્રોત્સવ વિધિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે તો 11 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહેનાર છે. સુરક્ષાના આયોજનમાં પહેલી વખત હેલીકૉપટરનો પણ ઉપયોગ થશે. બ્લુ રે એવિએશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર રાજીવ ગાંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે `કંપનીનું હેલીકૉપટર રથયાત્રા સર્વેલન્સમાં સામીલ રહેશે. બે દિવસ પૂર્વે જ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રથયાત્રા રૂટનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક જુલાઈના રોજ પણ સર્વેલન્સમાં ચોપર જોડાશે`  
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતુ કે રથયાત્રાના દિવસે લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કુલ 24 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ દરેક જવાનો હાઇટેકનોલોજીથી સુસજ્જ હશે. રથયાત્રા પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવનાર છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer