સુરત ઍરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ઍર કાર્ગો શરૂ કરવા માગ

સુરત ઍરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ઍર કાર્ગો શરૂ કરવા માગ
સુરત ડાયમંડ બુર્સ અને જીજેઇપીસી કસ્ટમ્સ ખર્ચને પહોંચી વળવા સર્વે કરશે 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 28 જૂન
સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટીક એર કાર્ગો ટર્મિનલ કાર્યરત છે, પરંતુ જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડાયમંડ, ડાયમંડ મશીનરી, ટેકસટાઇલ, ઝીંગા વિગેરેની નિકાસ થઇ રહી છે તે જોતા આંતરરાષ્ટ્રીય એર કાર્ગો ટર્મિનલની જરૂરિયાત ઉભી થઇ છે. હાલ વાયા મુંબઇ અને દિલ્હી થઇ સુરત અને દક્ષિણ ગુજરાતની પ્રોડક્ટની નિકાસ થાય છે. વર્ષના અંત સુધીમાં સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ધમધમતું થાય જાય તેવી સંભાવનાને જોતા સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય એર કાર્ગો ટર્મિનલની જરૂરિયાત ઉભી થઇ છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય એર કાર્ગો ટર્મિનલ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સુરત એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય એર કાર્ગો ટર્મિનલ ઉભી કરવા રજૂઆત કરઇ હતી. 
બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા ઉપસ્થિત હતા. તેમણે કહ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ધમધમતું થઇ જશે તો આંતરરાષ્ટ્રીય એર કાર્ગો ટર્મિનલની જરૂરિયાત વધશે. હાલ સપ્તાહમાં બે વખત સુરતથી શારજાહ માટે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ છે તથા આગામી સમયમાં સુરતથી દુબઇ, બેંગકોક અને સિંગાપોર માટે ઇન્ટરનેશનલ ફલાઇટ મળવાની શકયતા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વહેલી તકે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ થવું જોઇએ.આ માટે બેઠકમાં આઇકલાસના સીઇઓને રજૂઆત કરવામાં આવી હતી. 
આઇકલાસના સીઇઓ અજય કુમાર ભારદ્વાજે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા માટે તેઓને કસ્ટમ્સના ખર્ચનો પ્રશ્ન ઉભો થાય છે. મહિને રૂપિયા 10 થી 1ર લાખનો ખર્ચ થાય તેમ છે. સ્થાનિક ઉદ્યોગકારો આ ખર્ચને ઉપાડવાની બાંહેધરી મળે તો એરપોર્ટ ઓથોરિટીને ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવામાં કોઇ વાંધો નથી. 
બેઠકના અંતે ચેમ્બરના નેજા હેઠળ સુરત ડાયમંડ બુર્સ અને જીજેઇપીસી દ્વારા આ મામલે એક સર્વે કરવામાં આવશે અને એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ સોંપવામાં આવશે તેવું નક્કી કરાયું છે.  
બેઠકમાં ચેમ્બરના મંત્રી દીપક કુમાર શેઠવાલા, ચેમ્બરની એવીએશન્સ / એરપોર્ટ કમિટીના ચેરમેન અતુલ ગુપ્તા અને એડવાઇઝર મનોજ સિંગાપુરી, આઇકલાસ(એએઆઇ કાર્ગો લોજીસ્ટીક એન્ડ અલાઇડ સર્વિસ કંપની લિમિટેડ)ના સીઇઓ અજય કુમાર ભારદ્વાજ, સુરત એરપોર્ટના ડિરેકટર અમન સૈની, સુરત ડાયમંડ બુર્સના સીઇઓ મહેશ ગઢવી તથા ઉત્સવ શાહ, જીજેઇપીસીના રજત વાની, ટેકસટાઇલ ક્ષેત્રમાંથી શ્રીકાંત મુંદડા, મેડીકલ સેકટરમાંથી રાહુલ ગાયવાલા ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer