ઇલેક્ટ્રોનિક્સ ચીજોના વેચાણમાં 30 ટકાનો ઘટાડો

ઇલેક્ટ્રોનિક્સ ચીજોના વેચાણમાં 30 ટકાનો ઘટાડો
મોંઘવારી અને ભાવ વધારાની બજાર ઉપર અસર 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 28 જૂન
ચાલુ વર્ષે મોંઘવારી તથા કાચા માલની કિંમતોમાં થયેલા વધારાને કારણે ઇલેક્ટ્રોનીક્સ આઇટમોના વેચાણમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી રીતે જોઇએ તો બે વર્ષ કોરોનાના બાદ કરીએ તો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019માં એસી સહિતના અન્ય સાધનોનું જે વેચાણ થયું હતુ તેની તુલનામાં ચાલુ વર્ષે 20થી 30 ટકાનો ઘટાડો થયો છે.  
અમદાવાદ ઇલેક્ટ્રોનીક્સ ડીલર્સ એસોસિયેશન (એઇડીએ)ના પ્રમુખ ભાવેશ વારિયાએ જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે ઘર ચલાવવાનું પણ અસહ્ય બન્યુ છે ત્યારે લોકોએ ચલાવી શકાય તેવી અલબત્ત લક્ઝરી ખરીદીઓ ટાળી હોવાનું દેખાય છે. જૂન મહિનાથી એસી, પંખા, વગેરેના વેચાણમાં ઘટાડો થતો હોય છે. માર્ચ, એપ્રિલ અને મે સિઝન ગણાય છે. 2019માં જે એસીનું મોડેલ અમે રૂ. 30 હજારની આસપાસ વેચતા હતા તે હાલમા રૂ. 36થી 37 હજારમાં વેચાય છે એટલે કે ભાવમાં 20 ટકાનો વધારો થઇ ગયો છે. વધુમાં ફૂગાવાને કારણે જીવન જરૂરિયાતની ચીજો પણ મોંઘી થઇ ગઇ હોવાથી જીવન ચલાવવું અસહ્ય બની ગયુ છે.  
વારિયાએ કહ્યું કે હાલમાં દરેક પ્રોડક્ટમાં 15થી 20 ટકા વેચાણ ઓછું છે. ઉપરાંત ફૂટફોલ પણ 25 ટકા ઘટી ગયો છે. તેનું કારણ સમજાવતા તેમણે કહ્યુ કે હવે સામાન્ય રીતે લોકો પાસે સમય જ નથી. વધુમાં લોકો હવે ઓનલાઇન જ પોતાની જરૂરી ચીજો જોઇ લે છે. લોકોની નિર્ણયશક્તિ પણ ઝડપી બની ગઇ છે. આમ હાલમાં બજારની પરિસ્થિતિ ઘણી ખરાબ છે.  
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સરકારે આયાત અટકાવી દીધી છે. તેથી જરૂરી કાચો માલ પણ મળતો નથી. વધુમાં આવતા મહિનાથી સ્ટાર રાટિંગ પણ બદલાઇ રહ્યા છે. એસીમાં વધુ 10થી 15 ટકાનો વધારો આવશે. હાલમાં જે ફાઇવ સ્ટાર એસી છે તે આગામી મહિને 4 સ્ટાર બની જશે. બે સ્ટારની વચ્ચે રૂ. 2000નો ફરક હોય છે.  
તેમણે જણાવ્યું હતુ કે જૂન મહિનામાં અમારી પાસે જે કંઇ સ્ટોક હોય તેનું વેચાણ કરી દીધુ હોય છે. અમારી ખરીદી મે મહિના સુધી હોય છે. સામે કંપનીઓએ પણ જૂનો માલ વેચવા માટે નવા માલનું ઉત્પાદન અટકાવી દીધુ છે. આમ હાલમાં માલની અછત છે, પરંતુ સામે માગ નહીં હોવાથી વાંધો આવતો નથી.   

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer