રાજકોટમાં ટૂંક સમયમાં જ ઇમિટેશન પાર્ક સ્થપાશે

રાજકોટમાં ટૂંક સમયમાં જ ઇમિટેશન પાર્ક સ્થપાશે
રૂ. 450 કરોડનું રોકાણ લાવવા ઉદ્યોગ તૈયાર 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.28 જૂન 
ઇમિટેશન ઉદ્યોગ માટે જગતભરમાં પ્રખ્યાત રાજકોટમાં અલાયદો પાર્ક સ્થપાય એ માટેની ગતિવિધી તેજ બની છે. ઉદ્યોગકારો સરકારમાં લેખિતમાં પ્રેઝન્ટેશન દ્વારા વજનદાર રજૂઆત કરીને રાજકોટ શહેરનો ચળકાટ વધારવા માટે તૈયારી કરી રહ્યા છે. ઇમિટેશન જ્વેલરી પાર્કની સ્થાપના માટેનો પ્રસ્તાવ સરકારમાં મોકલાશે એ પછી રૂબરૂ મુલાકાત માટે સમય માંગવામાં આવશે. 
રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસીએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહે કહ્યું કે, પાર્ક માટે અગાઉ મૌખિક વાતચીત સરકારમાં થઇ હતી પણ હવે પાયાથી આયોજન કરીને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, જીઆઇડીસી તથા ઉદ્યોગ કમિશ્નરને બે ત્રણ દિવસમાં જ પ્રેઝન્ટેશન મોકલીશું. સરકાર પાસે મુલાકાતનો સમય માગીને વિસ્તૃત માગણી કરીશું. 
ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે 2 લાખ સ્ક્વેર મીટર જગ્યા રાજકોટમાં ટોકન ભાવે આપવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. પાર્કમાં આશરે 700 જેટલા ઉદ્યોગકારો દ્વારા રૂ.450 કરોડનું રોકાણ કરવામાં આવે તે માટે સંગઠને તૈયારી દર્શાવી છે. પાર્કને લીધે આશરે 3-4 લાખ લોકોને રોજગારી મળશે તેવો પાક્કો અંદાજ મૂકાયો છે. 
રાજકોટમાં પ્રવર્તમાન સમયે ઇમિટેશન જ્વેલરીનું ઉત્પાદન શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ તરીકે થાય છે પણ મોટો પાર્ક તૈયાર થાય તો અનેક તકો રહેલી છે. હાલમાં નિકાસમાં પણ રાજકોટના ઇમિટેશન પહોંચે છે. પાર્ક બને તો વધુ દેશોની બજાર ઉજાગર થશે. પ્રવર્તમાન સમયે ચીન ઇમિટેશનનું હબ છે ત્યાંથી ખૂબ નિકાસ થાય છે. એ જ રીતે રાજકોટમાંથી પણ નિકાસના દ્વાર ખૂલી શકશે. 
પાર્કને લીધે ચીનમંથી ઇમિટેશનની આયાત બંધ થશે તો સરવાળે આપણું વિદેશી હૂંડિયામણ પણ બચશે તેમ જીજ્ઞેશભાઇ ઉમેરે છે. 
રાજકોટ શહેરના આસપાસના વિસ્તારો તથા જિલ્લામાં 15 હજાર જેટલા નાના મોટાં જથ્થાબંધ ઉત્પાદકો છે. વિવિધ સાઇઝ અને ડિઝાઇનના ઇમિટેશન તૈયાર થાય છે. આશરે રૂ. 400 કરોડની નિકાસ થાય છે.  વાર્ષિક ધોરણે રૂ. 5 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે.  
પ્રેઝન્ટેશનમાં કહેવાયું છેકે, ઇમિટેશનમાં વિવિધ પ્રકારની મેટલનો ઉપયોગ થાય છે. એને પસંદગીના આકારમાં ઢાળીને દાગીના તૈયાર કરાય છે. કિંમતી ધાતુઓના ભાવ ખૂબ ઉંચે જતા રહ્યા છે એવા સમયે અસ્સલ જેવા ઝવેરાત ઇમિટેશન ઉદ્યોગ આપી શકે છે. એનાથી લોકોના આર્થિક બોજ વધતા નથી અને પ્રસંગો પણ પાર ઉતરી જાય છે. રાજકોટમાં બનતા ઇમિટેશનનો ઉપયોગ ફિલ્મો અને ટીવી સિરીયલોમાં પણ થાય છે.  
ઇમિટેશન જ્વેલરી આકર્ષક હોવાને લીધે છેલ્લાં કેટલાક વર્ષોથી ચલણ વધતું જાય છે. લોકો રોજબરોજના વપરાશમાં પણ લે છે એટલે આવનારા વર્ષોમાં ઉદ્યોગના વિકાસની અપાર તક છે. ભારતમાં ફેશન જ્વેલરીની માર્કેટ રૂ. 656.20 અબજની હોવાની ધારણા છે. ભારતમાંથી સૌથી વધારે નિકાસ અમેરિકા અને ત્યારબાદ દુબઇ તથા યુ.કે.માં નિકાસ કરવામાં આવે છે. ચીન પણ અમેરિકા અને યુ.કે.માં મહત્તમ નિકાસ કરે છે. 
વિશ્વમાં ઇમિટેશન જ્વેલરીની બજાર 2021માં 15.67 અબજ ડોલરની અર્થાત રૂ. 1,17,525 કરોડની હતી. આગામી પાંચ વર્ષમાં 6.6 ટકાના દરે ઉદ્યોગ વિકાસ પામે એવી સંભાવના છે.  હવે વિશ્વ બજારમાં થ્રી ડી પેઇન્ટીંગવાળા ઇમિટેશન પણ બનવા લાગ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer