શ્રીલંકાની નિકાસ ઘટતાં ભારતીય ચાની માગ વધી

શ્રીલંકાની નિકાસ ઘટતાં ભારતીય ચાની માગ વધી
કોલકાતા, તા. 28 જૂન
ભારતમાં અૉર્થોડોક્સ ચા લગાડનારાઓ માટે અત્યારે ભરસિઝન ચાલી રહી છે.
સમગ્ર વિશ્વમાં અૉર્થોડોક્સ ચાનો સૌથી વધુ પુરવઠો પૂરો પાડનાર દેશ શ્રીલંકા અત્યારે ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.
જોકે, શ્રીલંકાના સંકટે ભારત માટે તકની એક નવી બારી ખોલી છે. અગાઉ શ્રીલંકા પાસેથી ચા ખરીદતાં વિદેશી ગ્રાહકો આજકાલ ભારતના ઉત્પાદકો તથા નિકાસકારોને પૂછપરછ કરી રહ્યા છે. આ બધી બાબતની અૉર્થોડોક્સના ચાના લિલામના ભાવ પર અસર પડી છે.
અૉર્થોડોક્સ ચા બનાવવા માટે છૂટાં પાંદડાંને પરંપરાગત રીતે ચૂંટવામાં અને સૂકવવામાં આવે છે.
શ્રીલંકાના ચાના નિકાસકારોની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ જાન્યુઆરીથી એપ્રિલ, 2022માં શ્રીલંકાનું ચાનું ઉત્પાદન 183.1 લાખ કિલો જેટલું એટલે કે તેના વાર્ષિક ઉત્પાદનના લગભગ 6 ટકા જેટલું ઘટી ગયું હતું. આ સમયમાં નિકાસ 42.4 લાખ કિલો જેટલી ઘટી ગઈ હતી.
જોકે, શ્રીલંકાની ચાની કુલ વાર્ષિક નિકાસ 2860 લાખ કિલો જેટલી હોય છે એટલે તેની સરખામણીમાં આ ઘટાડો મામૂલી કહેવાય, તેમ ઇક્રાના ઉપપ્રમુખ કૌશિક દાસે જણાવ્યું હતું.
ભારતે અૉર્થોડોક્સ ચાની નિકાસની ભલે શરૂઆત કરી હોય પરંતુ શ્રીલંકાની ઘટી ગયેલી નિકાસનો ફાયદો ભારતને થયો છે.
ભારતમાં અૉર્થોડોક્સ ચાની એક મોટી ઉત્પાદક તેમ જ નિકાસકાર કંપની એમ. કે. શાહના અધ્યક્ષે જણાવ્યું હતું કે વિશ્વના નવા નવા પ્રદેશોમાંથી અૉર્થોડોક્સ ચાની પૂછપરછ આવી રહી છે.
શ્રીલંકાથી ચાની આયાત કરતા ઈરાન, તુર્કી, ઈરાક અને રશિયા જેવા દેશના આયાતકારો કોલકાતાની તેમ જ આસામના ચાના બગીચાઓની મુલાકાત લઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે જ વધતી જતી માગના કારણે કોલકાતામાં થતી હરાજીમાં ચાના ભાવ વધી રહ્યા છે.
છેલ્લી બે હરાજીમાં અૉર્થોડોક્સ ચાના ભાવ રૂા. 367.16 તથા રૂા. 373.49 પ્રતિ કિલો હતા. જે અનુક્રમે 41 અને 35.5 ટકાનો વધારો દર્શાવે છે.
`ચાની હરાજીમાં જે રીતે વધતા ભાવે ચાની ખરીદી થઈ રહી છે તે ચાની મજબૂત માગ દર્શાવે છે. શ્રીલંકાની નિકાસ ઘટી તેનો ભારતને ફાયદો થયો છે. કેટલીક મોટી કંપનીઓ હરાજીમાં ચા વેચવાને બદલે વિદેશી ગ્રાહકનો સીધો સંપર્ક પણ કરી રહ્યા છે,' એમ નિકાસકાર વિક્રમ સિંઘ ગુલીયાએ કહ્યું હતું.
2021માં શ્રીલંકાની ચાના પાંચ મુખ્ય ખરીદદાર દેશોમાં ઈરાક, તુર્કી, રશિયા, ઈરાન તથા યુએઈનો સમાવેશ થતો હતો જ્યારે ભારતની ચાના ત્રણ મુખ્ય ખરીદદાર દેશો રશિયા, ઈરાન તથા યુએઈ છે. ભારતીય ચાની 39 ટકાથી પણ વધુ નિકાસ આ દેશોમાં થાય છે.
હાલમાં અૉર્થોડોક્સ ચાની માગ વિશેષ હોવાથી તેનું ઉત્પાદન વધ્યું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સ્પેશિયલ આસામ અૉર્થોડોક્સ ચા માગે છે. હવે જુલાઈથી શ્રીલંકા જેવી અૉર્થોડોક્સ ચાની માગ વધશે એટલે તે માટેની તૈયારી થશે તેમ મેકલિયોડ રસેલના ડાયરેક્ટર આઝમ મોનેમે જણાવ્યું હતું.
ભારતમાં મુખ્યત્વે સીટીસી તથા અૉર્થોડોક્સ ચાનું ઉત્પાદન થાય છે.
2021-22માં સીટીસી ચાનું ઉત્પાદન 13,444 લાખ કિલો જ્યારે અૉર્થોડોક્સ ચાનું ઉત્પાદન 1130.7 લાખ કિલો થયું હતું.
જોકે છેલ્લાં બે વર્ષથી અૉર્થોડોક્સ ચાનું ઉત્પાદન ઓછું થયું હતું. 2020માં કોરોના મહામારી હતી જ્યારે 2021માં સીટીસી ચાની માગ સારી હોવાથી કેટલાક ઉત્પાદકોએ અૉર્થોડોક્સ ચાને બદલે સીટીસી ચા વધુ બનાવી હતી. અૉર્થોડોક્સ ચાના 85 ટકા જેટલાં ઉત્પાદનની નિકાસ થાય છે. છેલ્લાં બે વર્ષમાં ભલભગ અૉર્થોડોક્સ ચાની બજાર ઘટી હોય, પરંતુ હવે તેના ભાવ વધવાનો સમય આવ્યો છે તેમ ગુડરીક ગ્રુપના એમડી અતુલ અસ્થાનાએ જણાવ્યું હતું.
આમ છતાં હાલમાં આસામ પૂરગ્રસ્ત હોવાને કારણે ચાના ઉત્પાદન તેમ જ તેની નિકાસને અસર થઈ શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer