કોલસાનો સ્ટૉક વધ્યો, પરંતુ પુરવઠો અનિયમિત

કોલસાનો સ્ટૉક વધ્યો, પરંતુ પુરવઠો અનિયમિત
નવી દિલ્હી, તા. 28 જૂન
દેશના ઘણા ભાગોમાં વરસાદને કારણે વીજળીની માગમાં ઘટાડો થતાં વીજળીમથકો કોલસાનો અનામત જથ્થો વધારી શક્યા છે. આમ છતાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી કોલસાનું વિતરણ અનિયમિત થઈ ગયું છે.
ગત સપ્તાહમાં વીજળીમથકો પાસેનો કોલસાનો જથ્થો વધીને 260 લાખ ટન થયો હતો જે ગયા મહિને 210 લાખ ટન હતો આમ છતાં જે પાવર પ્લાન્ટ કોલસાની ખાણથી દૂર આવેલા છે ત્યાં કોલસાનો જથ્થો ઓછો છે. કોલસા, પાવર તથા રેલવે મંત્રાલય માટે આ સ્થિતિ પડકારરૂપ છે.
ચોમાસું શરૂ થાય તે પહેલા જ વીજળીમથકોએ કોલસાનો જથ્થો ભરી લેવો પડે કેમ કે ચોમાસામાં કોલસાના ખાણકામ તેમ જ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે.
કોલ ઇન્ડિયા પાસે 440 લાખ ટન કોલસાનો સંગ્રહ છે અને કોલસાનો સ્ટૉક વધી રહ્યો  છે. અત્યારે કોલ ઇન્ડિયા દ્વારા રોજ 17.2 લાખ ટન કોલસાનું વિતરણ થઈ રહ્યું છે, જ્યારે દેશની અન્ય કંપનીઓ સહિત કુલ 21.2 લાખ ટન કોલસાનું વિતરણ થઈ રહ્યું છે. ``કોલસાની આયાતને કારણે તેનો સ્ટૉક વધ્યો છે. આયાત ન થઈ હોત તો એપ્રિલ કરતાં અત્યારે કોલસાનો પુરવઠો 8 લાખ ટન ઓછો હોત'', તેમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
હાલમાં રેલવે દ્વારા વીજળીમથકોને મોકલાતો કોલસાનો જથ્થો કઈ રીતે વધારવો તે એક પડકાર છે. કોલ ઇન્ડિયાના કેટલાંક એકમોમાં કોલસાનું ઉત્પાદન ક્યારેક વધુ હોય તો ક્યારેક ઓછું હોય છે.
આ ઉનાળામાં વીજળીની માગ વધુ હતી એટલે વીજળીમથકો પાસે કોલસાનો વધારાનો જથ્થો રહેતો ન હતો. આ મહિનાની શરૂઆતમાં વીજળીની માગ 210 ગીગા વૉટની વિક્રમ ઊંચાઈ પર હતી જે હવે ઘટીને લગભગ 190 ગીગા વૉટ જેટલી થઈ છે.
સરકારી નિયમ મુજબ કોલસાની ખાણની નજીક આવેલા વીજળીમથક જૂનમાં 85 ટકા ક્ષમતાએ કામ કરવા માટે 17 દિવસ ચાલે તેટલો કોલસાનો જથ્થો અનામત રાખવો પડે જ્યારે કોલસાની ખાણથી દૂર રહેલા પાવર પ્લાંટે 26 દિવસ ચાલે તેટલો કોલસાનો જથ્થો અનામત રાખવો પડે.
આમ છતાં કોલસાના વિતરણની અનિયમિતતાને કારણે કોલસાની ખાણની નજીક આવેલા વીજળીમથકો પાસે 15 દિવસ ચાલે એટલો જ કોલસો હતો. જ્યારે ખાણથી દૂર આવેલા પાવર પ્લાન્ટ પાસે ફક્ત 8 દિવસ ચાલે તેટલો જ જથ્થો હતો.
ભારતમાં ચોમાસા પછી ખેતીવાડીના ઉપયોગને કારણે તેમ જ ગરમ હવામાનને કારણે વીજળીની માગ વધુ હોય છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઈએ)એ જણાવ્યું હતું કે 34.1 ગીગા વૉટની ક્ષમતાવાળા 15 વીજળીમથકો પાસે ગયા બુધવારે 72 લાખ ટન કોલસો હતો. જે રોજનો 5 લાખ ટન વપરાય તો લગભગ 15 દિવસ ચાલી શકે.
આમ છતાં 169 ગીગા વૉટની ક્ષમતાવાળા 158 પાવર પ્લાન્ટ પાસે 186 લાખ ટન જેટલો જ કોલસાનો સ્ટૉક હતો. જે 23 લાખ ટન પ્રતિદિનનના વપરાશ સાથે ફક્ત 8 દિવસ જ ચાલી શકે.
કુલ 260 લાખ ટન કોલસામાં 240 લાખ ટન કોલસો સ્થાનિક ઉત્પાદનનો છે. જ્યારે 20 લાખ ટન કોલસો આયાત કરેલો છે.
22 જૂનના અહેવાલ મુજબ વીજળીમથકોએ કોલસાની સ્થિતિ કટોકટી ભરી હતી. કુલ 109 ગીગા વૉટ ક્ષમતા ધરાવતાં વીજળીમથકો પાસે નિયમ પ્રમાણે હોવો જોઈએ. તેના કરતાં 25 ટકા કરતાં પણ ઓછો કોલસો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer