જાહેરક્ષેત્રની બૅન્કોના સંપૂર્ણ ખાનગીકરણની હિલચાલ

જાહેરક્ષેત્રની બૅન્કોના સંપૂર્ણ ખાનગીકરણની હિલચાલ
સંસદના ચોમાસું સત્રમાં ખરડો લવાય તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 28 જૂન
રાષ્ટ્રીયકૃત બૅન્કોનું સંપૂર્ણ ખાનગીકરણ કરી શકાય તે માટેનો ખરડો સરકાર સંસદના આગામી ચોમાસું સત્રમાં રજૂ કરવા માગે છે.
પ્રસ્તુત ખરડામાં એક જોગવાઈ એવી છે કે જે બૅન્કનું ખાનગીકરણ થવાનું હોય તેમાંથી સરકાર સંપૂર્ણપણે બહાર નીકળી શકે. બૅન્કિંગ કંપનીઝ (એક્વિઝીશન ઍન્ડ ટ્રાન્સફર અૉફ અંડરટેકિંગ્ઝ) એક્ટ 1970 અનુસાર જાહેર ક્ષેત્રની બૅન્કમાં સરકારે ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો પોતાની પાસે રાખવો પડે. અગાઉ એવું વલણ હતું કે સરકારે કોઈ પણ બૅન્કના ખાનગીકરણ વખતે તેનો ઓછામાં ઓછો 26 ટકા હિસ્સો પોતાની પાસે રાખવો જોઈએ. ત્યાર બાદ ભવિષ્યમાં તે હિસ્સો ઘટાડી શકાય.
તાજેતરમાં આઈડીબીઆઈ બૅન્કના હિસ્સાના વેચાણના રોડ શો વખતે સંભવિત રોકાણકારો સાથે જે ચર્ચાવિચારણા થઈ તેના આધારે આ ખરડામાં કેટલાક ફેરફાર કરીને સરકારને નિર્ણય લેવાની મોકળાશ મળે તેવું માળખું ઊભું કરવામાં આવશે.
નાણાં મંત્રાલય આ માટે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા સાથે વાતચીત કરશે. હાલમાં ખાનગી બૅન્કના પ્રમોટર પોતાની બૅન્કમાં વધુમાં વધુ 26 ટકા હિસ્સો રાખી શકે. સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી યોજાવાનું છે. સરકારે બૅન્કિંગ લૉઝ એમેન્ડમેન્ટ બિલ 2021 તૈયાર રાખ્યું છે પરંતુ હજી સુધી તે સંસદમાં રજૂ થયું નથી.
આ બાબતના જાણકાર એક અધિકારીએ જણાવ્યું કે સરકારે આ ખરડા માટે સંભવિત રોકાણકારો, મરચન્ટ બૅન્કર્સ, ઔદ્યોગિક એકમો વગેરે સાથે ચર્ચાવિચારણા કરી છે તેમ જ ખાનગીકરણની પ્રક્રિયા ઓછામાં ઓછી તકલીફ સાથે ઝડપથી પૂરી થાય તે માટે ખરડામાં યોગ્ય સુધારા વધારા પણ કરવામાં આવશે. 
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા વર્ષના બજેટમાં જણાવ્યું હતું કે સરકાર જાહેર ક્ષેત્રની બે બૅન્કો તથા એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવા માગે છે.
એપ્રિલ 2021માં નીતિ આયોગે પણ ભલામણ કરી હતી કે સેન્ટ્રલ બૅન્ક અૉફ ઇન્ડિયા તથા ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનું ખાનગીકરણ કરવામાં આવે. જોકે આ બાબત બધું જાહેર કરવામાં આવી ન હતી. આ બાબતમાં હજી સુધી કોઈ પણ પ્રગતિ થઈ નથી.
આઈડીબીઆઈ બૅન્કના ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ છે. આ બૅન્કની રચના 1956ના કંપની ધારા અંતર્ગત થઈ હોવાથી તેના ખાનગીકરણ માટે સંસદમાં ખરડો પસાર કરવો જરૂરી નથી.
સરકાર આઈડીબીઆઈ બૅન્કમાં 45.48 ટકા તેમ જ એલઆઈસી 49.24 ટકા હિસ્સો ધરાવે છે તથા હવે તેના વ્યૂહાત્મક ખાનગીકરણ માટે એક્ષપ્રેસન અૉફ ઇન્ટરરેસ્ટ (ઈઓઆઈએસ) મંગાવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer