સોનું અને રત્નોની હેરફેર માટે ઈ-વે બિલ જરૂરી બનશે

સોનું અને રત્નોની હેરફેર માટે ઈ-વે બિલ જરૂરી બનશે
ટેલરિંગ અને જોબ વર્કસ પરનો જીએસટી પાંચ ટકાથી 12 ટકા કરાશે  
કાઉન્સિલે વિવિધ માલસામાન પરથી કરમુક્તિ દૂર કરી 
એજન્સીસ 
નવી દિલ્હી, તા. 28 જૂન
કાપડ ઉદ્યોગને સંલગ્ન ટેલરીંગ અને જોબ વર્કસની વિપરીત જીએસટી ડયુટીને સુધારીને પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવાની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની ભલામણ જીએસટી કાઉન્સિલે સ્વીકારી લીધી છે. આ ઉપરાંત કાઉન્સિલે કેટલાક અન્ય માલસામાન અને સેવાઓ પરના જીએસટી દરમાં સુધારાને મંજૂરી આપી છે. સોનું અને મૂલ્યવાન રત્નોના રાજ્યો વચ્ચેના પરિવહન માટે ઇ-વે બિલ જારી કરવાની રાજ્યોને મંજૂરી આપી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં જીએસટી-રજીસ્ટર્ડ બિઝનેસ માટેની પ્રક્રિયામાં પણ બદલાવને મતું  મારવામાં આવ્યું હતું. રાજ્યો માટે જીએસટીના વળતરને જૂન 2022 પછી પણ ચાલુ રાખવાના અને કેસિનો, ઓનલાઇન ગામિંગ તેમ જ ઘોડદોડ પર 28 ટકા જીએસટી નાખવાના મહત્વના મુદ્દા પર બુધવારે ચર્ચા થશે.  
વિપક્ષો દ્વારા શાસિત રાજ્યોએ કોમ્પએન્સેશન લંબાવવાની અથવા જીએસટીની આવકમાં રાજ્યોનો હિસ્સો વધારીને 50 ટકા કરવાની માંગણી કરી છે. મંગળવારની બેઠકમાં કાઉન્સિલે રાજ્યોના નાણાપ્રધાનોની કેટલીક ભલામણોનો સ્વીકાર કર્યો હતો જેમાં દર સુધારા, તેમ જ કેટલીક ચીજવસ્તુઓ પર કરમુક્તિ રદ કરવાની ભલામણો હતી.  
નાણાપ્રધાનોએ કેટલીક સેવાઓ પરથી જીએસટી હટાવી લેવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રતિદિન રૂા. 1000ના ભાડાંથી ઓછા ખર્ચાળ હોય એવા હોટેલ રૂમ પર જીએસટી દૂર કરવો જોઈએ જે હૉસ્પિટલમાં રૂમનું દૈનિક ભાડું રૂા. 5000થી વધુ હોય ત્યાં દાખલ કરાતા દર્દી પર પાંચ ટકા જીએસટી નાખવાની તેમણે ભલામણ કરી છે.  
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સએ કરેલી અન્ય ભલામણો આ પ્રમાણે છે: ખાદ્યતેલમાં વિપરીત કર માળખામાંથી પરિણમતું આઇટીસી રિફંડ નકારવું; પ્રિન્ટિંગ, રાઇટિંગ અને ડ્રોઈંગ શાહી પરનો જીએસટી 12 ટકાને સ્થાને 18 ટકા કરવું; સોલાર વોટર હીટર પર જીએસટી પાંચ ટકાને સ્થાને 12 ટકા કરવો. 
આ સાથે તમામ પોસ્ટ અૉફિસ સર્વિસમાં પોસ્ટ કાર્ડ અને ઇનલૅન્ડ લેટર્સ સિવાય બુક પોસ્ટ અને એનવલપ 10 ગ્રામથી વધારે હશે તો તેની ઉપર અને ચેક્સ ઉપર 18 ટકા જીએસટી લાદવાનું તેમણે સૂચવ્યું છે. જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક ચંડીગઢમાં ચાલી રહી છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer