ડિસ્કો દાંડિયાના પાસ પર લાગશે જીએસટી

અમારા પ્રતિનિધિ તરફથી''
અમદાવાદ, તા.5 અૉગસ્ટ'
બે વર્ષના વિરામ બાદ આ વખતે કોરોનામાંથી મુક્તિ મળતા નવરાત્રી યોજાશે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી શકશે એવી આશા બંધાઇ હતી પરંતુ હવે ખેલૈયાઓના મનમાં કચવાટ પેદા થયો છે. સરકારે કોમર્પશીયલ આયોજન પર ગરબાના પાસમાં 18 ટકા જીએસટી લાગુ કરવાની જાહેરાત કરી છે પરિણામે હવે નવી સ્પષ્ટતા સરકાર તરફથી ન આવે ત્યાં સુધી આયોજકો અને ખેલૈયાઓ વિમાસણમાં રહેશે. મુશ્કેલી એ છેકે આયોજકોએ જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરાવવાનો થશે એટલે વહીવટી કામગીરીમાં મોટો વધારો થશે. ખેલૈયાઓના પાસની કિંમત 18 ટકા જેટલી આપોઆપ વધી જવાની છે.'''
આ વર્ષે ગરબાના રૂપિયા 500 ઉપરના પાસ ઉપર 18% જીએસટી લાગી જવાનો છે અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તો ખેલૈયાઓ બેથી પાંચ હજારના સીઝન પાસ લઈને પોતાના ગ્રુપમાં ગરબામાં મહાલવા જતા હોય છે પણ આ વર્ષે વધારાનું જીએસટી રૂપી ભારણ આવતાં જ કમસેકમ ત્રણથી પાંચ કરોડ રૂપિયા જીએસટી પેટે ખેલૈયાઓ ચૂકવે તેવી સ્થિતિ સર્જાઇ છે.''
ગરબાના માસ્ટર રાજ અને કેયુર જણાવે છે કે `અમે તો દર વર્ષે સિઝનના પાસ લઈએ છીએ અને સિઝનનો પાસ હંમેશા કમ સે કમ ત્રણથી પાંચ હજારનો આવતો હોય છે હવે આ રકમ ઉપર અને 18% જીએસટી ભરીએ તો બહુ મોટી વાત થઇ જાય અને અમારું નવરાત્રી નો ખર્ચ વધી જાય. જો કે ગરબા માટે કટિબદ્ધ છીએ.`'
નવરાત્રીની શાન સમાન શણગાર અને ચણિયાચોળી ઉપર અનુક્રમે 5 અને 12% જી.એસ.ટી પહેલાથી જ લાગતો હતો પરંતુ ગરબાના પાસ ઉપર જીએસટી લાગુ થઈ જતા બહુ મોટી મુશ્કેલી આવશે તેવું ગરબા રસિકો કહે છે. દૈનિક પાસ કરતાં સીઝન પાસ સસ્તા હોય છે પરંતુ હવે આ પાસ ઉપર જીએસટી લાગુ પડતા સીઝનલ પાસ લેવા કે દૈનિક પાસ લેવા તે મોટો પ્રશ્ન છે,' દૈનિક પાંસમાં પણ જો પાંચસો રૂપિયાથી ઓછી કિંમત હશે તો જીએસટી નહિ લાગે અન્યથા એમાં ય ભરવો પડશે. કેટલાક આયોજકોએ જીએસટી પોતે જ ભરીને ખેલૈયાઓને બચાવી લેવાની જાહેરાત કરી છે. જોકે કેટલાક દૈનિક પાસ પાંચસો રુપિયાથી નીચો રાખીને નવેય દિવસની ગણતરી કરીને આપી દેશે એવું પણ બનશે.''
અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ જેવા મોટા શહેરોના ગરબા આયોજકો સરકાર સામે પડવા નથી માગતા અને જીએસટી ભરીને પાસનું વેચાણ કરવા માંગે છે. વડોદરામાં તો જીએસટી સહિત ગરબા પાસનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે ગરબા રસિકો કેવો કચવાટ અનુભવે છે અને સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આનો વિરોધ પણ શરુ કર્યો છે ત્યારે સરકાર તેનો નિર્ણય બદલે છે કે કેમ તે જોવાનું રહ્યું.''

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer