ઊંઝામાં કૃષિ પેદાશોની આવકો ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી''
અમદાવાદ, તા. 5: વિતેલા સપ્તાહે ઊંઝા ગંજબજાર ખાતે વરસાદી વાતાવરણની વચ્ચે જીરુ, વરિયાળી સહિત અનેક કોમોડિટીઓની આવકો સંકોચાઇ હતી. દરમિયાનમાં ઉત્તર ગુજરાતમાં જુવાર, ચણા અને એરંડાનું ચોમાસુ વાવેતર શરૂ થઇ ગયુ છે. જ્યારે વરિયાળીમાં રોપણીથી વાવેતર ચાલુ થઇ ગયુ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર મહેસાણા જિલ્લામાં 117 હેક્ટર જિલ્લામાં વરિયાળીનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે.''
દરમિયાનમાં વિતેલા સપ્તાહે જીરામાં ચારથી પાંચ હજારો બોરીની આવક સામે વેપાર સાતથી આઠ હજાર બોરીના રહ્યા હતા. વાયદામાં હાજરમાં રૂ. 100 તૂટતા તેની અસર હરાજી પર પડી હતી. હલકા માલના રૂ. 3850, મીડિયમના રૂ. 4000 અને સારા માલના રૂ. 4200થી 4300 અને બોલ્ડ માલના રૂ. 4400 રહ્યા હતા.''
વેપારીઓના અનુસાર વિતેલા સપ્તાહે જૂના માલની વેચવાલી નીકળી હોવાથી પણ જીરુ નરમ રહ્યુ હતું. વધુમાં જૂના રૂ. 2400થી 2500ના ભાવનું જીરુ હતુ તે હાલમાં રૂ. 4000ના ભાવે વેચાઇ રહ્યુ છે. તેથી જૂનો માલ ધરાવતા વેપારીઓ તગડી કમાણી કરી રહ્યા છે.''
વરિયાળીમાં બિલકૂલ આવકો થતી નહી હોવાના કારણે માલખેંચ સર્જાઇ છે. તેમાં હલકા માલના રૂ. 2000થી 2100, મીડિયમના રૂ. 2200થી 2300 અને બેસ્ટ કલર માલના રૂ. 2500થી 3000 અને આબુ રોડના રૂ. 3300થી 4000 રહ્યા હતા. વેપારીઓના અનુસાર વરિયાળીના ઊંચા ભાવને કારણે ખેડૂતો વાવેતર કરવા આકર્ષાયા છે. ત્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, અને પાટણમાં વરિયાળીનું વાવેતર મહત્તમ થાય તેવા અહેવાલ છે. ઉપરાંત રાજસ્થાનમાં આબુ રોડ ક્વોલિટીના ભાવ ઊંચા હોવાથી તેનું વાવેતર પણ વધે તેવા સંકેતો છે. જ્યારે દિવાળીની આસપાસ વરિયાળનું દરેડી (દાણાથી) શિયાળુ વાવેતર શરૂ થશે.''

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer