કાપડબજારમાં તહેવારોની ઘરાકીની પ્રતીક્ષા

અમારા પ્રતિનિધિ તરફથી''
સુરત તા. 5 અૉગસ્ટ
તહેવારોની સીઝન શરૂ થઇ ચૂકી છે પરંતુ હજુ સુધી કાપડમાર્કેટમાં તહેવારોની ઘરાકી નીકળી ન હોવાથી વેપારીઓ ભારે મુંઝવણમાં મૂકાયા છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફૂલ ફ્લેજમાં તહેવારોની ઉજવણી થઇ રહી છે ત્યારે વેપારીઓને તહેવારોની ભારે ખરીદી નીકળશે તેવી આશા જાગી હતી. જો કે હાલ તો આશા પર મોંઘવારીએ પાણી ફેરવી દીધાનું પ્રકાશમાં આવ્યું છે. બીજી તરફ કાચામાલના સતત ભાવવધારા વચ્ચે પ્રોસેસર્સ જોબચાર્જમાં વધારો ઇચ્છતા હોવા છતાં માર્કેટમાં ઘરાકીના અભાવે જોબચાર્જમાં વધારો કરી શકતા નથી.''
કાપડમાર્કેટમાં ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહથી સામાન્ય રીતે ઘરાકી જોવા મળે છે. જા કે આ વખતે હજુય રક્ષાબંધન કે તેની આસપાસના તહેવારોની ખરીદી જોવા મળી નથી. આ પાછળ એકથી વધુ કારણો જવાબદાર છે. જેમાં ઉત્તરભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે બહારગામની ખરીદી ઠપ્પ થઇ છે. તેમજ મોંઘવારીના લીધે લોકો જરૂરીયાતની ખરીદી કરતા હોવાથી વેપારીઓ જથ્થાબંધમાં મોટા ઓર્ડર નોંધાવતા ન હોવાથી સુરતની લોકલ માર્કેટમાં વેપારીઓ પાસે ઓર્ડર નોંધાયા નથી.'
હાલ કાપડ માર્કેટમાં રક્ષાબંધનને લીધે અન્ય રાજયોના વેપારીઓની તરફથી ઓર્ડર મળવાની શરૂઆત થઇ છે. પરંતુ વેપારીઓની ધારણા મુજબની ખરીદી શરૂ થઇ નથી. વરસાદ સહિતના કેટલાંક કારણોથી અન્ય રાજયોના વેપારીઓની અવરજવર ઓછી હોવાથી વેપાર નહી જામતા વેપારીઓ ચિંતિત છે. જો કે કેટલાક પ્રાંતની ખરીદી જોવા મળી છે. જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લહેરિયા સાડી અને ડ્રેસની સામાન્ય ડિમાન્ડ હોવાથી વેપારીઓને થોડી રાહત મળી છે.''
કાપડ ઉદ્યોગના વેપારી અશોકભાઇ જૈન જણાવે છે કે, સુરતના કાપડ માર્કેટમાં છેલ્લા ત્રણ મહિનાથી મંદીનો માહોલ છે. વેપારીઓને લાંબા સમયથી રક્ષાબંધન પર વેપાર સારો રહેવાની આશા હતી જેના પર પાણી ફરી વળ્યું છે.'
સુરતના વેપારીઓ પાસે અન્ય રાજયોમાંથી સાડી અને ડ્રેસ મટિરીયલના ઓર્ડર છે. પરંતુ વેપારીઓનું કહેવું છે કે, જેવો વેપાર હોવો જોઇએ તેવો વેપાર નથી. આ વખતે આસામમાં ભયાનક પૂરની પરિસ્થિતિ છે. તે ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ ભારે વરસાદને લીધે વેપારને અસર પડી રહી છે.'
યુપી, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં રક્ષાબંધન પછી તીજનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. તેના માટે પણ હાલ સુરતના કાપડ વેપારીઓને ઓર્ડર મળ્યા છે. જેને લીધે ઉત્તર ભારતમાં મધ્યમ રેન્જની સાડી અને ડ્રેસની ડિમાન્ડ છે. ઓગષ્ટ માસના તહેવારોની ખરીદીન આધારે દિવાળી અને લગ્નસરાની ખરીદીનો અંદાજ કરવામાં આવે છે.''
કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી કૈશવ જૈન જણાવ્યું હતું કે, વેપારીઓની જે ધારણા હતી તેના કરતાં વેપાર ઓછો છે પાછલા વર્ષ કરતા પણ વેપાર ઓછો છે. જો એકાદ અઠવાડીયામાં વેપાર નિરાશા જનક રહેશે.''
આ તરફ કોલસાના ભાવમાં દોઢ મહિનામાં 20 ટકા વધારો થતાં પ્રોસેસર્સ ચિંતામાં મૂકાયા છે. કાપડમાં ઘરાકીના અભાવે પ્રોસેસર્સ જોબચાર્જમાં વધારો કરી શકતા નથી. પરંતુ જે ઓર્ડર પૂરા કરવાના છે તે પ્રોસેસર્સને મોંઘા પડી રહ્યા હોવાનું પ્રોસેસેર્સ સંગઠનના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું. સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે છે કે, મીલો માટે અત્યારે કપરા ચઢાણ જેવી સ્થિતિ છે. દોઢ મહિનામાં કોલસાના ભાવમાં 20 ટકા વધારો ઝીંકાયો છે. જેના કારણે પડતરાકિંમત વધી છે.''

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer