સેઝને માળખાકીય સવલતોનો દરજ્જો અપાશે

નવી દિલ્હી, તા. 5 અૉગસ્ટ
સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન (સેઝ)માં ઉત્પાદન તથા સેવાના ક્ષેત્રમાં સક્રિય એકમોને સરળતાથી નાણાકીય સહાય મળી શકે તેમ જ લાંબા ગાળાના ઋણની વ્યવસ્થા થઈ શકે તે માટે સરકાર કાયદામાં સુધારો કરીને તેમને માળખાકીય સવલતનો દરજ્જો આપવાનું વિચારી રહી છે. આ માટે ડેવલપમેન્ટ, એન્ટરપ્રાઇસ ઍન્ડ સર્વિસિસ' હબ બિલ 2022 (દેશ બિલ) સંસદમાં રજૂ કરાનાર છે. સરકાર સેઝના એકમોને રોડ, રેલ, જળમાર્ગ, ઍર પોર્ટ વગેરેની સમકક્ષ માળખાકીય સવલતનો દરજ્જો (ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ્સ) આપવા માગે છે જેથી તેઓ ઉદાર શરતોએ લાંબાગાળાનું ધિરાણ મેળવી શકે.
સંસદના ચોમાસું સત્રમાં સરકાર એ ખરડો પસાર કરવા માગે છે. તે પસાર થયા પછી વાણિજ્ય મંત્રાલય અને નાણાં મંત્રાલયનો સંયુક્ત રીતે આ કાયદાને અંતિમ સ્વરૂપ આપશે અને સેઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સમકક્ષ દરજ્જો આપવા માટેના નિયમો ઘડશે.
સંસદમાં એકવાર આ બિલ પસાર થઈ જાય ત્યાર બાદ સરકાર નાણાં મંત્રાલયના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ સેક્ટરના માસ્ટર લિસ્ટમાં સુધારા કરશે અને સેઝને ડેવલપમેન્ટ હબ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ્સના દરેક પાસાંનો લાભ મળે તે જોશે. સેઝને મળતાં લાભ કઈ શરતોને આધીન રહેશે તે પણ જણાવવામાં આવશે.
વાણિજ્ય વિભાગે આ માટેનું ડ્રાફ્ટ બિલ સલાહ સૂચન માટે પ્રધાનોની આંતરિક સમિતિને મોકલાવ્યું છે. સરકારને આશા છે કે સંસદમાં આ બિલને તુરંત મંજૂરી મળી જશે. સરકારના વિવિધ મંત્રાલય તેમ જ વિભાગોએ આ બિલ માટે પોતાના પ્રતિભાવો મોકલ્યા છે. નાણાંકીય બાબતોનો વિભાગ સેઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ્સ આપવાનો નિર્ણય લેતા બોર્ડમાં છે.
સેઝનું નિયમન કરતો હાલનો જે કાયદો છે તેના બદલે આ નવું બિલ આવશે. ફેબ્રુઆરીના અંદાજપત્રમાં નાણાપ્રધાન નિર્મળા સીતારામને આ નવા કાયદાની જાહેરાત કરી હતી. આ કાયદા અંતર્ગત વિશાળ ઉત્પાદન તથા મૂડીરોકાણ કેન્દ્રો વિકસાવવા તેમ જ તેને નિકાસલક્ષી બનાવવા ઉપરાંત વર્લ્ડ ટ્રેડ અૉર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ના ધારાધોરણ અનુસાર બનાવવા તેવો ઉદ્દેશ છે. આ એકમો સ્થાનિક બજારોમાં પણ સરળતાથી પ્રવેશી શકે.' તેમ જ જરૂર લાગે તો તેમાંથી સરળતાથી નીકળી શકે તેવી સુવિધા આપવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer