હૉમ લોન મોંઘી થવાથી રિયલ એસ્ટેટનો વિકાસ રુંધાશે : નિષ્ણાતો

એજન્સીસ
નવી દિલ્હી, તા. 5 અૉગસ્ટ
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટમાં 50 બેઝીસ પૉઈન્ટ વધારીને તેને કોરોનાકાળ પહેલાના 5.40 ટકાના લેવલ પર લઈ ગયા છે. વ્યાજદરના આ વધારાની હોમ લોન પર વિશેષ અસર પડશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ધીમો પડશે, એમ નિષ્ણાતો જણાવે છે. રિઝર્વ બૅન્કે મે મહિનાથી લઈ અત્યાર સુધીમાં કુલ 140 બેઝીસ પૉઈન્ટ વ્યાજદર વધાર્યો છે. તે કારણે હાઉસિંગ લોન મોંઘી થતી જાય છે.
મે મહિનામાં અચાનક વ્યાજદર વધ્યો ત્યારે હોમ લોનના વ્યાજદર વધ્યા હતા. ત્યાં સુધી હોમ લોનના વ્યાજદર સૌથી નીચા હતા. તેના કારણે કોરોનાનો કપરો સમય પસાર થઈ ગયો અને પ્રોપર્ટીનું વિક્રમ વેચાણ થયું હતું. વ્યાજદર વધવાને કારણે હવે બીલ્ડરોએ પ્રોપર્ટીની માગ ટકાવી રાખવા માટે આકર્ષક અૉફરો આપવી પડશે.
'હોમ લોનના વ્યાજદર ફલેક્સિબલ હોય છે. એટલે ટૂંકા ગાળામાં વ્યાજદર વધે તે હોમ લોનના ગ્રાહકોને પસંદ નથી હોતું. પ્રોપર્ટીના ડેવલપરોને જાણ હોય છે કે વધતા જતા ફુગાવાને કારણે આર્થિક વિષમતાઓ વધતી જાય છે.'
એટલે આગામી તહેવારોની સિઝનમાં ગ્રાહકોને અત્યંત આકર્ષક અૉફર આપવી પડશે, એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
હાલમાં હોમ લોનના વ્યાજદર 7.4 ટકાની આસપાસ છે, જે તેની પહેલા 6.6 ટકા જેટલા હતા તેમ જ લગભગ બે વર્ષ સુધી તેટલા જ રહ્યા હતા.
હવે હોમ લોનના વ્યાજદર 30થી 40 બેઝીસ પૉઈન્ટ વધશે તેના કારણે આગામી તહેવારોની સિઝનમાં નિવાસી યોજનાઓનો વિકાસ ધીમો પડશે અને ટૂંકા સમય માટે નવા ઘરોનું વેચાણ ધીમું પડશે. આ ટૂંકા ગાળાની ચેતવણી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer