ચીને નેન્સી પેલોસી ઉપર અંકુશો મૂક્યા

પીટીઆઈ
બીજિંગ, તા. 5 અૉગસ્ટ
યુએસ સંસદનાં સ્પીકર નેન્સી પેલોસી અને તેમના પરિવારજનો ઉપર ચીને તેમની તાઈવાનની સત્તાવાર મુલાકાતના વિરોધમાં અંકુશો લાદ્યા હતા. જોકે, અંકુશોની વિગતો જાહેર કરી નહોતી. બીજી તરફ નેન્સી પેલોસીએ જપાનની મુલાકાત સમયે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકી પ્રતિનિધિઓને તાઈવાનની મુલાકાતે જવા ઉપર પ્રતિબંધ મૂકી તાઈવાનને વિખૂટું પાડી શકે નહીં.
નેન્સી પેલોસીએ શુક્રવારે ટોકિયોમાં તેમના એશિયા પ્રવાસની પૂર્ણાહુતિ કરતા જણાવ્યું કે ચીન તાઈવાનને વિશ્વથી વિખૂટું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરની ઘટનામાં સ્વાયત્ત તાઈવાનને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)માં સામેલ થતા અટકાવ્યું હતું. ચીન તાઈવાનના નાગરિકોને અન્ય દેશમાં જતા અટકાવી શકે, પણ અમેરિકન નાગરિકોને તાઈવાન જતા રોકી નહીં શકે, એમ જણાવી તેમણે તેમના એશિયાના પ્રવાસનો બચાવ કર્યો હતો. પેલોસીના તાઈવાન પ્રવાસથી એશિયા સાથે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો હોવાની થઈ રહેલી ચર્ચા વચ્ચે પેલોસીએ ઉક્ત નિવેદન કર્યું હતું.
ચીને પેલોસી અને તેના પરિવારજનો ઉપર લાદેલા અંકુશો વિશે વિગતો જાહેર કરી નહોતી, પરંતુ એવું જણાવ્યું કે પેલોસીની તાઈવાન મુલાકાત ઉશ્કેરણીજનક છે અને અમેરિકા ચીનના સાર્વભૌમત્વને ઓછું આંકી રહ્યું છે. તાઈવાન ચીનનો જ એક ભાગ છે. અમેરિકાના સૌથી ટોચના સ્તરના નેતા નેન્સી પેલોસી 25 વર્ષમાં તાઈવાનની મુલાકાતે જનાર એકમાત્ર અમેરિકી અધિકારી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer