પીટીઆઈ
મુંબઈ, તા. 5 અૉગસ્ટ
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે ધિરાણ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યા બાદ અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 17 પૈસા મજબૂત થઈ 79.23ના સ્તરે બંધ આવ્યો હતો. ઇન્ટરબૅન્ક ફોરેન એક્સ્ચેંજ માર્કેટમાં ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 79.15ના સ્તરે ખુલ્યો હતો અને સત્ર દરમિયાન 78.94 અને 79.29 વચ્ચે અથડાયો હતો.
સત્રના અંતે રૂપિયો ડૉલર સામે 17 પૈસા મજબૂત થઈ 79.23ના સ્તરે બંધ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ 0.25 ટકા વધી 105.95ના સ્તરે હતો. છ કરન્સીના બાસ્કેટમાં ડૉલરની મજબૂતાઈનો સંકેત ડૉલર ઇન્ડેક્સ ઉપરથી મળે છે.
વિદેશી હૂંડિયામણના ટ્રેડરોના જણાવ્યા મુજબ મૂડી બજારમાં વિદેશી ભંડોળની આવક અને ક્રૂડ અૉઇલના ભાવમાં નરમાઈના કારણે ભારતીય રૂપિયો ડૉલર સામે મજબૂત થયો હતો.
ગઈકાલે શૅરબજારમાં એફઆઈઆઈ દ્વારા રૂા. 1474.77 કરોડના શૅર્સની ખરીદી કરવામાં આવી હતી. વૈશ્વિક ક્રૂડતેલના બેન્ચ માર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.20 ટકા વધીને પ્રતિ બેરલ 94.31 થયો હતો.
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન યુએસ ડૉલર મજબૂત થવાના કારણે થયું હતું, દેશના બૃહદ અર્થતંત્રમાં નબળાઈના કારણે નહીં, એવી ટીપ્પણી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કરી હતી.