સિંગાપોર, તા. 5 અૉગસ્ટ
અમેરિકાના ક્રૂડતેલના અનામત જથ્થાના આંકડા ધાર્યા કરતાં વધુ આવવાથી તેમજ ઓપેક અને સાથી દેશો દ્વારા તેમના દૈનિક ઉત્પાદનમાં એક લાખ બેરલનો વધારો કરવાના નિર્ણયને પગલે ક્રૂડતેલના ભાવમાં વધુ નરમાઈ જોવાઈ હતી.
શુક્રવારે સવારે નીચા ભાવથી સાધારણ સુધારા બાદ બ્રેન્ટ ક્રૂડ અૉક્ટોબર વાયદો 94.65 ડૉલર અને ડબ્લ્યુટીઆઈ સપ્ટેમ્બર વાયદો 89.02 ડૉલર બોલાતો હતો. સ્થાનિકમાં એમસીએકસ પર ક્રૂડતેલ અૉગસ્ટ વાયદો રૂા. 7032 થયો હતો.
અમેરિકાના એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ 29 જુલાઈએ પૂરાં થયેલા સપ્તાહમાં અમેરિકાના વ્યાપારી તેલ ભંડારમાં આગલા સપ્તાહ કરતાં 45 લાખ બેરલનો વધારો થયો હતો.
ઓપેક અને સાથી દેશોની 3 અૉગસ્ટે મળેલી બેઠકમાં સભ્ય દેશોના દૈનિક ઉત્પાદનમાં 1 સપ્ટેમ્બરથી એક લાખ બેરલનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો, જે અપેક્ષા કરતાં ઓછો હતો. બજારના નિરીક્ષકોએ આ વધારાને તેલનું ઉત્પાદન વધારવા માટે ઓપેકના દેશોને સમજાવવાના પ્રમુખ બાયડેનના પ્રયાસોના સંદર્ભમાં ધક્કાદાયક અને નિરાશાજનક ગણાવ્યો હતો.
ઓપેકે કહ્યું કે તેના સભ્યો પાસે ફાજલ ક્ષમતા અત્યંત મર્યાદિત હોવાથી તેનો ઉપયોગ અત્યંત સાવધાનીપૂર્વક કરવો જરૂરી છે. તેલ ઉદ્યોગમાં લાંબા સમય સુધી અપૂરતું રોકાણ થયું હોવાથી ઉત્પાદક દેશો પાસેની ફાજલ ક્ષમતામાં ઘટાડો થયો છે. તેને કારણે 2023ની તેલની માગને પહોંચી વળવામાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
અમેરિકાની ઈઆઈએના અહેવાલ મુજબ અમેરિકામાં છેલ્લા ચાર સપ્તાહમાં ક્રૂડતેલનો સરેરાશ દૈનિક પુરવઠો 199 લાખ બેરલ હતો જે ગયા વર્ષ કરતાં ત્રણ ટકા ઓછો છે.