ખાનગી ક્ષેત્રે લિથિયમના ખાણકામને મંજૂરી આપવાની વિચારણા

નવી દિલ્હી, તા. 5 અૉગસ્ટ
ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી તથા ઊર્જા સંગ્રહમાં વપરાતી લિથિયમ ધાતુમાં વધુ આત્મનિર્ભર થવા માટે સરકાર ખાનગી ક્ષેત્રને લિથિયમનું ખાણકામ કરવાની છૂટ આપવાનું વિચારી રહી છે.
હાલમાં સંસદનું સત્ર ચાલે છે. તેમાં લિથિયમના ખનન સંબંધિત કાયદાના સુધારાને મંજૂરી મળે એવી સરકારની ઇચ્છા છે. ખાનગી ક્ષેત્રના ખાણિયાઓ હાલમાં લિથિયમા બેરિલિયમ અને ઝિર્કેનિયમ સહિતનાં આઠ ખનિજોનું ખાણકામ કરી શકતા નથી. સરકાર આ નિયંત્રણ હટાવીને ખાનગી ક્ષેત્રને લિથિયમના ઉત્પાદનની છૂટ આપવા માગે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદમાં લિથિયમના કાયદાનો સુધારો મંજૂર થઈ જાય ત્યારબાદ સરકાર લિથિયમની ખાણમાંથી ખનિજ લિથિયમ કાઢવાની હરાજી કરી શકે અને યોગ્ય કંપનીને લિથિયમ વગેરે ખનિજોનું ખાણકામ કરવાની મંજૂરી આપી શકે.
કેટલાંક ચાવીરૂપ ખનિજોની આયાત પરનો આધાર ઘટાડીને ભારત તેનું ઘરઆંગણે ઉત્પાદન કરી શકે અને ભવિષ્યમાં તેની નિકાસ પણ કરી શકે એવું સરકાર ઇચ્છે છે. 2070 સુધીમાં `કાર્બનમુક્ત ભારત'ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સ્થાનિકમાં શૂન્ય ઉત્સર્જન ટેક્નૉલૉજીને ઉત્તેજન આપવાની નીતિ તેણે અપનાવી છે. ભારતે 2030 સુધીમાં 500 ગીગાવૉટ સ્વચ્છ વીજળી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે. તેને માટે બેટરી સ્ટોરેજનો મોટો જથ્થો જરૂરી છે, જેથી 24 કલાક કુદરતી ઊર્જાનો ઉપયોગ કરી શકાય.
ખાણ મંત્રાલયના અહેવાલ મુજબ સરકારી એજન્સીઓ દેશમાં લિથિયમના જથ્થાનું સંશોધન કરી રહી છે અને કર્ણાટકમાં એક સ્થળે લિથિયમનો થોડો જથ્થો મળી આવ્યો છે. જોકે લિથિયમના ક્ષેત્રમાં આયાત પરનો આધાર ઘટાડીને સ્વાવલંબી બનવા માટે દેશમાં લિથિયમનો વધુ જથ્થો શોધવો જરૂરી છે. અૉસ્ટ્રેલિયા અને ચીલી ખનિજ લિથિયમના મોટા ઉત્પાદક છે, જ્યારે ચીન વિશ્વમાં તેનો સૌથી મોટો રિફાઇનર છે.
31 માર્ચ, 2022 સુધીના વર્ષમાં ભારતની લિથિયમ આયન બેટરીની આયાત વાર્ષિક ધોરણે 54 ટકા વધીને 1.83 અબજ ડૉલર થઈ હતી. ભારતની 87 ટકા આયાત ચીન અને હૉંગકૉંગથી થાય છે. ભારતનો આગ્રહ છે કે ચીન જેવા દેશોમાંથી શક્ય તેટલી આયાત ઓછી કરવી, પરંતુ તે શક્ય બનતું નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer