રાખડીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો

મુખ્યત્વે પાકિંગમાં 18 ટકા જીએસટી જવાબદાર
અમારા પ્રતિનિધિ તરફથી''
અમદાવાદ, તા. 5 ઓગસ્ટ
ચાલુ વર્ષે કાચા માલના ભાવ વધતા અને લેબરના ભાવમાં વધારો થતા રાખડીની કિંમતમાં ચાલુ વર્ષે 30 ટકા જેટલો વધારો થયો છે. ગુજરાતમાંથી દેશભરમાં એટલે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી વગેરે જગ્યાએ મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિ આધારિત તથા સ્ટોનની રાખડીઓ પર ગ્રાહકોનો વધુ ઝોક રહ્યો હોવાનું વેપારીઓ જણાવે છે. ચાલુ વર્ષે બજારમાં બજારમાં છ રૂપિયાથી 300 રૂપિયા ડઝન સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે. તો અમુક કારીગરોએ પ્રવર્તમાન વિષયોને આવરી લઇને પણ રાખડીઓ તૈયાર કરી છે.'''
સરસપુર વિસ્તારમાં વર્ષોથી રાખડીઓ સહિત સિઝનલ ધંધો કરતા ઇકબાલભાઇએ જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે રાખડીઓના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. ભાવ વધારો થવાનુ મૂળ કારણ પાકિંગ મટીરિયલ (બોક્સ, પ્લાસ્ટિકની થેલીઓ વગરે) પર 18 ટકા જીએસટી લાગે છે તે છે. જોકે સામે લેબરની મુશ્કેલીને કારણે ઉત્પાદન 50થી 60 ટકા જેટલુ છે. આમ છતાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે લોકો બહાર જઇને મુક્ત મને ખરીદી કરી નહી હોવાથી ચાલુ વર્ષે માર્કેટમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે કોરોનાના બે વર્ષ બાદ મોંઘવારી વધતા લેબરમાં પણ વધારો થયો છે. હવેના જમાનામાં પાકિંગ સિવાય રાખડીઓ કોઇ લેતુ નથી તેથી અમારે પાકિંગ કરીને આપવું પડતુ હોવાથી રાખડીઓ મોંઘી થઇ છે.'
રાખડીઓની પેટર્ન વિશે વધુ જણાવતા તેમણે કહ્યુ કે આ વખતે અમે બેટી પઢાઓ, બેટી બચાઓ, વ્યસનમુક્ત પરિવાર, તંદુરસ્ત પરિવાર, 181 અભિયાન, ઉપરાંત લોકોને જાગૃત્ત કરવા માટે લઠ્ઠા કાંડ પર પણ રાખડીઓ તૈયાર કરી રહ્યા છીએ. અમે ભારતભરમાં માલ સપ્લાય કરીએ છીએ. હાલમાં ગુજરાત રાખડીઓનું મુખ્ય કેન્દ્ર બની ગયુ છે.'''
રાખડીના જથ્થાબંધ વેપારી પ્રદિપ જૈને જણાવ્યું હતુ કે અમે દરેક જગ્યાએ રાખડીઓ પૂરી પાડી છે, અલબત્ત હવે જથ્થાબંધ કામકાજ પૂર્ણ થઇ ગયુ છે અને હવે રિટેલ પૂરજોશમાં ચાલુ રહ્યુ છે. અમદાવાદમાં ખાસ કરીને કાલુપુર, ટંકશાળ,માણેકચોક, તથા લોગાર્ડન જેવા વિસ્તારમાં રાખડીઓ માટે ભારે ભીડ જોવા મળી રહી છે.''
ઉલ્લેખનીય છે કે જીએસટી હેઠળ મોટા ભાગની ચીજોને આવરી લેતા આવશ્યક ચીજોથી લઇને ખાણીપીણીની આઇટમો દિન પ્રતિદિન મોંઘી થઇ રહી છે ત્યારે આ ચીજો સુધીની ગ્રાહકોની પહોંચમાં પણ ઘણી ઓટ આવી હોવાની પ્રતીતી થઇ રહી છે.''

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer