ગુજરાતની વૈશ્વિક પહેલ : ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ

અમારા પ્રતિનિધિ તરફથી''
અમદાવાદ, તા. 5 અૉગસ્ટ
સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અમે એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.'
કૃષિ વિમાન-કિસાનનું વિમાન એટલે ડ્રોન એવી ઓળખ આપીને ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધન થાય એ રીતે જીવવાનું છે. નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે. નાની નાની વસ્તુઓની કાળજી લેવાથી આપણે દેશની મોટી સેવા કરી શકીશું.'
દેશ અને દુનિયામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે એ માટે તેમણે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા. વિશ્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે, તેનો આનંદ વ્યક્ત કરીને ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમૃઘ્ઘિ, સલામતી અને આર્થિક ઉન્નિતનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યપ્રધાન મક્કમતાથી આગળ ઘપી રહ્યા છે.''

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer