રાજ્યનો સીએનજી કિટ ઉદ્યોગ બંધ પડવાના આરે

પરાશર દવે''
અમદાવાદ, તા.5 ઓગસ્ટ
રાજ્યમાં એક સમયે કારમાં સીએનજી કીટ નંખાવવા માટે લાઇન લાગતી હતી. જોકે તે સમયે પેટ્રોલના ભાવ આશરે રૂ. 85 સામે સીએનજીનો દર કિગ્રા દીઠ રૂ. 58ની આસપાસ હતો. તે સમયે કીટ શહેરના ઇન્સ્ટોલર્સ રોજની 15થી 20 કીટ ફીટ કરતા હતા જે આજે માંડ એકાદ ગાડીમાં સીએનજી ફીટ કરે છે. આમ આ વ્યવસાય હવે ખતમ થવાના આરે હોવાનું આ વ્યવસાય સાથે સંકળાયેલા ખેલાડીઓ જણાવી રહ્યા છે.'
આ વ્યવસાય સાથે સંકળાયેલા અને કીટ ઉત્પાદક ઇકોફ્યુઅલ સિસ્ટમ્સ (ઇ) પ્રા. લિમીટડના સેલ્સ ડિરેક્ટર નેહલ નવસારીવાલાએ જણાવ્યું હતુ કે છેલ્લા સાતેક મહિનાથી સીએનજીના ભાવ સતત વધીને આજે કિગ્રાદીઠ 87 થઇ ગયા છે. સીએનજીના ભાવ રાજસ્થાનમાં 100 રૂપિયા, ઉત્તરપ્રદેશમાં 96 રૂપિયા થઇ ગયા છે. આમ પેટ્રોલ અને સીએનજી વચ્ચે જે તફાવત હતો તે નહીવત્ થઇ ગયો છે. પરિણામે ઉદ્યોગને પડેલ વિપરીત અસરથી અમારી લાઇનમાં ઓછામાં ઓછા દેશભરમાં બે થી 10 લાખ લોકો બેરોજગાર થશે તેમ મનાય છે આવે છે. અમે ઇટાલીથી કીટ આયાત કરીને બજારમાં આપીએ છીએ. પરંતુ બજાર સાવ પડી ભાંગતા અમારી પાસે કરોડો રૂપિયાનો માલ પડી રહ્યો છે.''
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે હાલમાં કારમાં ફીટ થતી કીટની સંખ્યા પણ ઘટી ગઇ છે. તેના બે કારણો છે, એક તો સીએનજીના ભાવ વધી ગયા છે અને બીજુ, છેલ્લા બે વર્ષથી યુરો 6ની મંજૂરી સરકારે આપી નથી. તેના કારણે બજારને બિલકૂલ ટેકો પ્રાપ્ત થયો નથી. જો સરકાર યુરો 6ની જો માન્યતા આપે તો 2020 પછીની ગાડીઓમાં અમે કીટ લગાવી શકીએ છીએ. જ્યારે જે યુરો 6ની ગાડીમાં અમે સીએનજી કીટ લગાવી છે તેવી પાંચ લાખ કારનું રજિસ્ટ્રેશન થવાનું બાકી છે.''
આ બાબતે અમે કેન્દ્ર સ્તરે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ. પરંતુ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર એમ કોઇએ અમને સહાય મળી નથી. વ્યવસાય પતનના આરે હોવાનું દાખલો આપતા તેમણે કહ્યુ કે પહેલા અમે રૂ. 100નો માલ વેચતા હતા તે હવે ફક્ત 2 રૂપિયાનો માલ વેચીએ છીએ.''
પહેલા જ્યારે સીએનજીનો ભાવ રૂ. 50થી 60 હતો ત્યારે અમે મહિનાની 6 હજાર કીટ ભારતભરમાં વેચતા હતા જે આજે માંડ 500 કીટ વેચાય છે. બીજી સરકાર સીએનજીના નવા નવા સિટી ગેસ ડીસ્ટ્રીબ્યૂશન (સીજીડી) બનાવી રહી છે, 15 હજાર પંપ ફાળવે છે ત્યારે લોકોને ભ્રમિત કરવા જેવી વાત છે.'
ગાડીઓમાં સીએનજી કીટ લગાવતા મુન્નાભાઇએ જણાવ્યું હતુ કે હવે ઉદ્યોગ ખતમ જ થઇ ગયો છે. અમદાવાદમાં આશરે 40ની આસપાસ કીટ લગાવે છે જ્યારે ગુજરાતમાં અને દેશભરમાં આ સંખ્યા હજ્જારો લોકોની છે. ટૂંકમાં હાલમાં કોઇ જ ધંધો નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer