નવી દિલ્હી, તા.' 5 અૉગસ્ટ
ભારતની જુલાઈની સોયાબીન તેલની આયાત જૂન કરતાં બમણાથી વધુ થઈ છે જે અત્યાર સુધીનો વિક્રમ છે. દેશમાં ખાદ્યતેલના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે ખાદ્યતેલની જકાતમુક્ત આયાતને મંજૂરી આપી છે તેનો લાભ લેવા માટે ખાદ્યતેલ રિફાઈનરીઓએ ખાદ્યતેલની આયાત વધારી છે.
ભારત ખાદ્યતેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને ભારતની સોયાબીન તેલની ખરીદી વધવાથી અમેરિકાના સોયાતેલના ભાવને ટેકો મળ્યો છે. આમ છતાં ભારતમાં તેના મુખ્ય હરીફ પામતેલની આયાત ઘટી છે. તેના કારણે મલેશિયા અને ઈન્ડોનેશિયાના નિકાસકારોને ભારતમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે પામતેલમાં ડિસ્કાઉન્ટ આપવું પડશે.
ભારતમાં સોયાતેલની કુલ આયાતના 80 ટકાથી વધુ આયાત સાથે સંકળાયેલા પાંચ વેપારીઓએ જણાવ્યું હતું કે જુલાઈમાં સોયાતેલની આયાત ગત મહિના કરતાં 113 ટકા વધીને 4,93,000 ટન થઈ હતી.
સોલવન્ટ એક્ષટ્રેક્ટર્સ એસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીયા)ના નિયામક બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, સરકારે ખાદ્યતેલની જકાતમુક્ત આયાતની જાહેરાત કરી ત્યારબાદ રિફાઈનરીઓએ સોયાતેલની મોટાપાયે ખરીદી કરી છે.
દેશમાં ખાદ્યતેલના ભાવને નિયંત્રણમાં લેવા માટે સરકારે મે મહિનાના અંતમાં 20 લાખ સોયાતેલ તથા 20 લાખ ટન સૂરજમુખી તેલની 31 માર્ચ 2023 સુધીમાં જકાતમુક્ત આયાત કરવાની મંજૂરી આપી હતી.
જૂનના અંત સુધીમાં સોયાતેલનું પ્રિમિયમ પામતે કરતાં 150 ડૉલર પ્રતિ ટન ઓછું હતું. આમ છતાં પામતેલની આયાત પર 5.5 ટકાનો વેરો હતો તેના કારણે ભારતીય આયાતકારો માટે પામતેલ સરવાળે મોંઘુ પડતું હતું. ઈન્ડોનેશિયાના પામતેલની નિકાસ પરના પ્રતિબંધને કારણે પામતેલનો પુરવઠો મર્યાદિત હતો, એટલે સોયાતેલ ખરીદવું તેના કરતાં સરળ અને નફાકારક હતું, એમ ખાદ્યતેલના એક દલાલે જણાવ્યું હતું.
મુંબઈ સ્થિત વેપારી સંગઠન સિયા જુલાઈની આયાતના અંદાજ અૉગસ્ટના મધ્યમાં પ્રસિદ્ધ કરશે. ભારતે 20 લાખ ટન સૂરજમુખી તેલની જકાતમુક્ત આયાત કરવાની મંજૂરી આપી છે, આમ છતાં સૂરજમુખી તેલના મોટા ઉત્પાદક યુક્રેનની નિકાસ ખોરવાઈ ગઈ છે.
આમ આગામી સમયમાં સોયાતેલની આયાત મજબૂત રહેશે. 31 અૉક્ટોબરે પૂરાં થતાં 2021-23ના માર્કેટિંગ વર્ષમાં ભારત 45 લાખ ટન સોયાતેલની વિક્રમ આયાત કરી શકશે જે ગત વર્ષે 28.7 લાખ ટન હતી.
સામાન્ય રીતે ભારતની ખાદ્યતેલની કુલ આયાતમાં સોયાતેલનો પાંચમો ભાગ હોય છે, પરંતુ ચાલુ વર્ષે તે વધીને ત્રીજો ભાગ થઈ જશે.
ભારત સામાન્ય રીતે આર્જેન્ટિના અને બ્રાઝિલથી સોયાતેલ ખરીદે છે, પરંતુ છેલ્લાં કેટલાક મહિનાઓમાં ભારતે અમેરિકા, રશિયા તેમજ તુર્કીમાંથી પણ સોયાતેલની ખરીદી કરી છે, એમ એક વૈશ્વિક વ્યાપારી પેઢીએ જણાવ્યું હતું.
જકાત મુક્તિને પગલે સોયાતેલની વિક્રમી આયાત
