ભારતમાં ચોખાનું વાવેતર ઘટતાં વૈશ્વિક પુરવઠા સામે જોખમ

નવી દિલ્હી, તા. 5 ઓગસ્ટ
દેશના ચાવીરૂપ વિસ્તારોમાં વાવેતર ઘટીને ત્રણ વર્ષમાં સૌથી ઓછું થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠાને અસર થવાનો ભય છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે.
ભારતમાં ચોખાના ઉત્પાદન સામેનો પડકાર એવા સમયે આવ્યો છે કે જ્યારે વિશ્વના ઘણા દેશો અનાજના વધતા ભાવ અને બેકામ ફુગાવા સામે ઝજૂમી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યોમાં દેશના લગભગ ચોથા ભાગના ચોખાનું ઉત્પાદન થાય છે. ત્યાં અપૂરતા વરસાદને કારણે ડાંગરનું વાવેતર 13 ટકા ઘડયું છે.
વેપારીઓને ચિંતા છે કે ચોખાનો પાક ઓછો ઉતરશે તો મોઘવારી વધશે અને ચોખાની નિકાસ પર નિયંત્રણ મૂકાશે.
ચોખાના આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. સરકારે દેશમાં ઘઉં તેમજ ખાંડનો પુરવઠો જળવાઈ રહે તે માટે તેમની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.
ભારતમાં ચોખાનો પાક ઓછો થવાની શક્યતાને પગલે તેના ભાવ વધ્યા છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં અપૂરતા વરસાદને કારણે ડાંગરનું ઓછું વાવેતર અને બાંગ્લાદેશની વધતી જતી માગને કારણે ચોખાની ઘણી જાતોના ભાવ છેલ્લાં 15-20 દિવસમાં 10 ટકાથી વધુ વધ્યા છે. ચોખાની નિકાસના ભાવ હાલમાં 365 ડૉલર એફઓબી પ્રતિ ટન છે તે સપ્ટેમ્બર સુધીમાં 400 ડૉલર પ્રતિ ટન થઈ જાય તેવી શક્યતા છે તેમ ચોખાના એક નિકાસકારે જણાવ્યું હતું.
હવે ભારતમાં આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે તેના પર ચોખાના પાકનો આધાર છે. કેટલાંક કૃષિ વૈજ્ઞાનિકો આશાવાદી છે. તેમનું કહેવું છે કે દેશમાં હજી પણ ડાંગરનું વાવેતર કરવાનો સમય ચાલુ છે. અૉગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડે તેવી આગાહી છે. એટલે દેશના ઘણાં વિસ્તારોમાં હજી ડાંગર રોપણીની સિઝન ચાલુ છે અને આ રીતે ચોખાના પાકની ઘટ ઓછી થઈ શકે.
ભારત 100 કરતાં પણ વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે, તેમાં બાંગ્લાદેશ, ચીન, નેપાળ તથા મધ્યપૂર્વના કેટલાંક દેશો ચોખાના મોટા ગ્રાહક છે. જોકે સમગ્ર વિશ્વન અન્ન પુરવઠાને જોઈએ તો કેટલીક આશાસ્પદ બાબતો છે.
અમેરિકામાં આ વર્ષે ઘઉંનો વિક્રમ પાક થશે. ત્યારબાદ રશિયા સાથેની લડાઈ ચાલુ હોવા છતાં પણ યુક્રેને તેનું અનાજનું પહેલું શીપમેન્ટ રવાના ર્ક્યું છે.
કૃષિ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ સિરાજ હુસેને એક સૂચન ર્ક્યું છે કે દેશના કેટલાંક રાજ્યમાં ચોખાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે ત્યારે સરકારે ઈથેમોલના ઉત્પાદન માટે ચોખાની ફાળવણી કરવાની નીતિની પુન:વિચારણા કરવી જોઈએ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer