વ્યાજદર વધારો પચાવી શૅરબજારમાં સુધારો આગળ વધ્યો

નિફટી માટે 17,400ની સપાટી અતિ રસાકસીપૂર્ણ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 5 અૉગસ્ટ
સ્થાનિક શૅરબજારમાં રિઝર્વ બૅન્કના વ્યાજદર વધારાની વિશેષ અસર વર્તાઈ નથી. આરબીઆઈએ કરેલા વ્યાજમાં 50 બેઝીસ પૉઈન્ટનો વધારો બજારની અપેક્ષા પ્રમાણે રહ્યો હોઈ 400 પૉઈન્ટની વધઘટ પછી બીએસઈ ખાતે સેન્સેક્ષ 89 પૉઈન્ટના સુધારા વચ્ચે 58,388ની મજબૂત સપાટીએ બંધ રહ્યો હતો. જેથી એનએસઈ ખાતે નિફટી 16 પૉઈન્ટ વધીને 17,397ની સપાટીએ બંધ રહ્યો હતો. જાણકારોના માનવા પ્રમાણે 2022-23માં ફુગાવો કાબુમાં રહેવાના નિર્દેશની સકારાત્મક અસરથી આજે પણ વિદેશી રોકાણકારોએ ભારતના બજારમાંથી રૂા. 1474 કરોડની ચોખ્ખી ખરીદી કરવાથી બજારને મહત્ત્વનો ટેકો મળ્યો હોવાનું એનલિસ્ટોએ જણાવ્યું હતું. દરમિયાન વૈશ્વિક બજારોમાં ક્રૂડતેલના ભાવ હળવા થવાથી પણ રોકાણકારોને સધિયારો મળ્યો છે.
આજના સુધારા-વધારા વચ્ચે મુખ્યત્વે અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી ઍરટેલ, પાવરગ્રીડ, ઈન્ફોસીસ, વિપ્રો જેવા મુખ્ય શૅરમાં લેવાલીથી ભાવ સુધારે હતા. જેની સામે વાહન શૅરો મારુતિ, એમઍન્ડએમ અને ઈન્ડસઈન્ડ બૅન્કમાં વેચવાલી આવતા નબળાઈ જોવાઈ હતી.
આજના ટ્રેડમાં મન્નાપુરમ ફાઈનાન્સમાં 10 ટકાનો સુધારો નોંધાયો હતો. એસબીઆઈ, બજાજ અૉટો અને ડીએલએફ જેવા સંવેદનશીલ શૅરો 1.5 ટકા સુધી સુધારે રહ્યા હતા. દરમિયાન, બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા સુધારે બંધ રહ્યા હતા. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝમાં ભારે વેચવાલીથી શૅર સાત ટકા ઘટયો હતો. મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા બે ટકા ઘટતા અૉટો ઈન્ડેક્સમાં એક ટકો ઘટાડો નોંધાયો હતો. જોકે, આઈટી ઈન્ડેક્સ 0.6 ટકા સુધારે રહ્યો હતો.
આરબીઆઈના નિર્ણય પછી હવે આગામી અઠવાડિયે સ્થાનિક બજારમાં મહત્ત્વની ટર્નિંગની સંભાવના બની છે. બજારમાં 17,400ની સપાટી અતિ રસાકસીપૂર્ણ બને તેમ છે, એમ એનલિસ્ટો માને છે.
રિઝર્વ બૅન્કે મે મહિના પછી કુલ 140 બેઝીસ પૉઈન્ટ વ્યાજદર વધારો કર્યો છે, જે હવે કોરોનાકાળ અગાઉના સ્તરે પહોંચ્યો છે. આજનો દર વધારો અપેક્ષા મુજબ છે,' એમ આનંદ રાઠી સ્ટોક બ્રોકર્સના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, આજે ચીનના મિસાઈલ હુમલા છતાં એશિયાના મુખ્ય શૅરબજાર સુધર્યાં હતાં. સીઓલ, શાંઘાઈ, ટોકયો અને હૉંગકૉંગના બજારો તેજીતરફી રહ્યા હતા, પરંતુ યુરોપના બજારો ટ્રેડ મધ્યે ઘટાડો દર્શાવતા હતા. અમેરિકાના શૅરબજાર-વાયદા બજારોમાં મિશ્ર વલણ જોવામાં આવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer