એમપીસીએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો

બૅન્ક ધિરાણ મોંઘું બનશે; ડિપૉઝિટ પરના વ્યાજદર વધશે'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 અૉગસ્ટ
રિઝર્વ બૅન્કની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટ 50 બેઝીઝ પોઈન્ટ વધારીને 5.40 ટકા કર્યો છે. ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, સતત ઊંચા ફુગાવાને ડામવા માટે આ વધારો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિગ ડિપોઝીટ ફેસિલિટી પર વ્યાજદર વધારીને 5.15 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિગ ફેસિલિટી પર વ્યાજદર વધારીને 5.65 ટકા કરવામાં આવ્યો છે. અૉગસ્ટ, 2019 પછી હવે રેપો રેટ સુધી ઊંચો થયો છે. વિવિધ એજન્સીઓએ કરેલી મોજણી અનુસાર નિષ્ણાતોમાં રેપો રેટમાં 35 થી 50 બેઝીઝ પોઈન્ટના વધારાનું અનુમાન હતું.'
આ મહિનાની 3 અને 5 તારીખ વચ્ચે મળેલી બેઠકમાં એમપીસીએ ઉદાર નાણાંનીતિ જતી કરીને કડક નાણાંનીતિ અપનાવવા વિશે વિચારણા કરી હતી. કમિટી બેન્ચમાર્ક દર વધારી રહી છે એ જોતા આ પગલું અનિવાર્ય હતું.''
મે મહિનાથી શરૂ કરીને હવે રેપો રેટમાં કુલ 140 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલમાં એસડીએફ સ્કીમ શરૂ કરવામાં આવી અને તેના પર રિવર્સ રેપોની તુલનામાં વધુ વ્યાજદર ઠરાવવામાં આવ્યો એ જોતા કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કુલ વધારો 180 બેઝીઝ પોઇન્ટ જેટલો છે.'
આરબીઆઇએ રેપો રેટમાં વધારો કર્યો તેને પગલે બૅન્કોના ધિરાણ દરમાં વધારો થશે અને કડક નાણાંનીતિને લીધે બૅન્કોની પ્રવાહિતા ઘટવાથી ડિપોઝીટ પરના વ્યાજ દર વધશે એમ બૅન્કરોએ જણાવ્યું હતું.'
ભૂ -રાજકીય આંચકાઓને કારણે ફુગાવાની દિશા વિશે મોટી અનિશ્ચિતતા સર્જાઈ છે. તાજેતરમાં અન્ન પદાર્થો અને ધાતુઓના ભાવ નીચે આવ્યા છે એવું નિરીક્ષણ એમપીસીએ કર્યું હતું. ક્રૂડતેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં હમણાં ઘટાડો થયો છે, પણ એક તરફ માંગ નરમ પડી છે અને બીજી તરફ પુરવઠામાં અંતરાય હોવાથી સરેરાશ ભાવ ઉપર છે. રૂપિયા સામે અમેરિકન ડૉલર મજબૂત થવાથી આયાતી ફુગાવાનું દબાણ વધશે, એમ કમિટીએ નોંધ્યું હતું. રિઝર્વ બૅન્કને અપાયેલા આદેશ અનુસાર રિટેલ ફુગાવો 2થી 6 ટકાના વ્યાપમાં રહેવો જોઈએ, પણ સતત છ મહિનાથી રિટેલ ફુગાવો આ વ્યાપની ઉપર રહ્યો છે. જૂનમાં રિટેલ ફુગાવો 7.01 ટકા હતો. ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ પછી વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો.'
શુક્રવારની નાણાંનીતિમાં આરબીઆઇએ 2022-23 માટે રિટેલ ફુગાવાનું અનુમાન 6.7 ટકા રાખ્યું છે જે અગાઉની નીતિમાં હતું એટલું જ છે. તેમાં સામાન્ય વરસાદ અને 105 ડૉલર પ્રતિ બેરલ ક્રૂડતેલના ભાવ માની લેવામાં આવ્યા છે. 2022-23માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 7.2 ટકા વિકાસના અનુમાનમાં પણ કોઈ સુધારોવધારો કરવામાં આવ્યો નથી.'''''
આરબીઆઇએ નાણાંનીતિ જાહેર કરી એ પછી અમેરિકન ડૉલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. ગુરુવારે 79.47 પર બંધ રહેલો રૂપિયો શુક્રવારે 79.07 પર જોવાયો હતો.'

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer