તહેવારોમાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં રૂા. 125 કરોડના વેપારની આશા

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 20 સપ્ટે. 
બજારમાં ધીમે પગલે તહેવારોની રોનક છવાઇ છે. ભલે ગ્રાહકોની સંખ્યા અગાઉ કરતા ઓછી જણાય છે, પરંતુ ગ્રાહકોની પૂછપરછ જોતાં આગામી દિવસોમાં બજારમાં રોનક જોવા મળશે અને બજારમાં ભીડનો અનુભવ વેપારીઓને વર્તાશે. આવનારા તહેવારોમાં ગૃહિણીઓ ઘર વપરાશના ઇલેકટ્રોનિક સાધનોની ખરીદી કરે તેવી સંભાવનાએ રૂા. 125 કરોડથી વધુના વેપારની આશા ઇલેકટ્રોનિક આઇટમના શો-રૂચ સંચાલકોએ રાખી છે.  
તહેવારો દરમ્યાન ઇલેકટ્રોનિક આઇટમના શો-રૂમમાં રેફ્રીજરેટર, ટીવી, એસી, કુલર, વાશિંગ મશીન, ઘરઘંટી, ફુડ પ્રોસેસર, બ્લેન્ડર, ટીવી, પંખા, હોમ થિયેટર (મ્યુઝીક સિસ્ટમ), માઇક્રોવેવ, ઇસ્ત્રી, ગીઝર સહિતના સાધનોના વેચાણમાં વધારો થતો હોય છે. આ વર્ષે તમામ ચીજવસ્તુઓના કાચામાલના ભાવમાં વધારો થતાં ઇલેકટ્રોનિક સાધનો પણ બાકાત નથી. લગભગ દરેકના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો થયો છે. આમ છતાં વેપારીઓને સારા વેપારની આશા છે.  
ઇલેક્ટ્રોનિક એસોસિયેશનના સભ્ય પ્રકાશભાઈ લખાણી જણાવે છે કે, એક અંદાજે પ્રમાણે શહેરમાં 50થી વધુ ઇલેકટ્રોનિક્સના દુકાનો શો-રૂમ આવેલા છે. નવરાત્રિ અને આગામી તહેવારોમાં રૂપિયા 125 કરોડથી વધુનો વેપાર થવાની આશા છે.  
શહેરના નવીન ઇલેક્ટ્રોનિકના મૅનેજર સંગીતાબેન પટેલ જણાવે છે કે, તહેવારોને લઇ ટીવી, ફ્રીજ, વાશિંગ મશીન, ઘરઘંટી જેવા સાધનો વેચાણ થઇ રહ્યા છે. ઉનાળામાં એસી, રેફ્રીજરેટરના વેચાણમાં વધારો થયો હતો. આ વખતનો ઉનાળો છેલ્લા ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ સાબિત થયો છે. હાલ તહેવારને લઇને લગભગ દરેક આઇટમ પર ડિસ્કાઉન્ટ કે સેલ છે. જેને લીધે ગ્રાહકોનો ખરીદી પ્રત્યેનો ઉત્સાહ બેવડાયો છે. અમને આ વર્ષે ટીવી અને વોશીંગ મશીનમાં વધુ ડિમાન્ડની આશા છે.  
ચાલુ વર્ષે એસી, રેફ્રીજરેટર, ઘરઘંટીના વેચાણમાં 25થી 30 ટકાનો વધારો થયો કેટલીક કંપનીઓએ એસીની કિંમતમાં 10 ટકા જેટલો ભાવ વધારો કર્યો છે. એસીના ભાવમાં વધારો છતાં વેચાણ વધ્યું છે. એ પાછળ ગરમીનું પ્રમાણ છે. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડતા લોકોએ વધુ સંખ્યામાં એસી બૂક કરાવ્યા હતા. મોટાભાગે ઉનાળામાં એસી અને રેફ્રીજરેટરની કિંમતમાં ઉછાળો આવતો હોય છે. જેના કારણે અનેક ગ્રાહકો અૉક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન ખરીદી કરે છે. જેમાં તેઓને સેલનો લાભ મળે છે.  
કૌશલ-વિશાલ ઇલેક્ટ્રોનિકના વિશાલ જૈન જણાવે છે કે, તહેવારોને લઇ ગ્રાહકોમાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો છે. દર વર્ષે દિવાળીના સમયમાં વેચાણ વધુ થતું હોવાથી સ્ટોક અત્યારથી મંગાવી રાખ્યો છે. અગાઉ કરતા હવે ખરીદી કરવી સરળ બની છે. લોકોને દરેક ઇલેકટ્રોનિક આઇટમ પર લોનની સુવિધા મળતી હોવાથી ખરીદી કરવા આગળ આવ્યા છે. મોટાભાગની લોનમાં ન્યુનત્તમ વ્યાજ અને ફાઇલ પ્રોસેસીંગ ચાર્જ હોવાથી લોકોને ખરીદી પરવળે છે. મધ્યમવર્ગ ખરીદી કરવા આગળ આવ્યા હોય તો તેનું કારણ ચૂકવણીમાં હપ્તાની સુવિધા. આજે મધ્યમવર્ગના લોકો એક લાખની કિંમતનું ટીવી કે રેફ્રીજરેટર ખરીદતા ખચકાટ અનુભવતા નથી એ પાછળ લોકોને ચૂકવણીમાં સરળ હપ્તાની સિસ્ટમ માફક આવી છે. અમને આ વર્ષે સારા વેપારની અપેક્ષા છે.   
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગની કંપનીઓએ અૉગસ્ટ મહિનામાં ભાવ વધારો કર્યો છે. જોકે આમ છતાં માગમાં વધારો થયો છે. આગામી તહેવારોમાં ડિસ્કાઉન્ટ અને ઓફર સાથેની ખરીદી માટે લોકો બજારમાં ઉમટાશે તેવી અપેક્ષા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer