વડા પ્રધાન મોદી અમદાવાદને માસાંતે મેટ્રો ટ્રેનની ભેટ આપશે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 સપ્ટે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવરાત્રિ પર્વ પર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન મોદી 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. ત્યારે 30મી સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. 
ઉપરાંત થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવવાના છે અને તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા છે. વડા પ્રધાન મોદીના કાર્યક્રમને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.  
થલતેજ-વસ્ત્રાલ રૂટની ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમી સુધીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 6.53 કિમીના અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. 
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer