ગુજરાતમાં ઇંટની 25,000થી વધુ ભઠ્ઠીઓ અૉક્ટોબરથી બંધ

ઇંટ ઉદ્યોગના શ્રમિકોના ઘેર દિવાળીએ અંધકાર ફેલાવાની શક્યતા   
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 સપ્ટે.
કોરોનાકાળ દરમિયાન સતત બે વર્ષ સુધી તમામ પ્રવૃત્તિઓ બંધ હતી અને ઇંટના ભઠ્ઠાઓ પણ બંધ રહેતા ઉત્પાદકો તેમજ શ્રમિકોને કારમી પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો હતો.  2022માં જ્યારે તમામ પ્રવૃત્તિઓ ધમધમતી થઇ છે ત્યારે ઇંચ ઉત્પાદકો પર કેન્દ્ર સરકારે 31-3-2022થી એક નોટિફિકેશન બાર પાડીને લાલ ઇંટ તથા ટાઇલ પરનો જીએસટી વધારીને 5 ટકાથી 12 ટકા કરી દેવાયો છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદન કરવું શક્ય નહીં હોવાથી બધી ભઠ્ઠીઓ બંધ રહેશે અને હજારો શ્રમિકોના ઘરે આગામી દિવાળીમાં દીવો પણ પ્રગટે નહી તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાશે.  
આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત બ્રીક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનના મહામંત્રી મહેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 1200 જેટલા ઉત્પાદકો અને આશરે 25000 ઇંટની ભઠ્ઠીઓ છે. પરંતુ ઇંટની ભઠ્ઠીઓ જ બંધ રહેવાને કારણે ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો માટે બેરોજગારીની સમસ્યા ઊભી થશે. જોકે બિલ્ડિંગ બાંધનારાઓને ખાસ કંઇ ફેર પડશે નહીં તેઓ થોડા સમય માટે બાંધકામ અટકાવી પણ શકે છે.
ગુજરાતમાં ગ્રામિણ વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ 100 ટકા ઇંટ પર જ ચાલે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 40 ફ્લાયેશવાળા અને 60 ટકા ઇંટવાળા પ્રોજેક્ટ હોય છે. આમ જો ઇંટની ભઠ્ઠીઓ બંધ રહેશે તો બ્લોકવાળી ઇંટના ભાવ વધી જશે.  
બ્લોકવાળી ઇંટો અને અમારી ઇંટો વચ્ચે ભાવમાં ખાસ ફરક નથી પરંતુ બ્લોકવાળી ઇંટો વજનમાં હલકી હોય છે. એક બ્લોક નવ ઇંચ જેટલી જગ્યામાં સેટ થાય છે. તેથી કોન્ટ્રાક્ટરોની લોખંડની માત્રા ઘટી જાય છે. આમ ઉપર લોખંડ ઓછું ચડાવવું પડે છે આમ તેમને લોખંડમાં 17થી 20 ટકા બચત થાય છે. તેમણે જણાવ્યું હતું કે બ્લોકવાળી ઇંટો મુખ્યત્વે પાવર હાઉસમાંથી નીકળતી રાખ (ફ્લાય એશ), રેતી અને સિમેન્ટમાંથી કેમિકલ પ્રક્રિયામાંથી બને છે. કેમિકલનો ગુણધર્મ જોઇએ તો 10 વર્ષ સુધી તેનું બાઇન્ડીંગ રહે છે. 10 વર્ષ બાદ હવા સ્પર્શતા તેનું બાઇન્ડીંગ ઢીલું થઇ જતા તેમાંથી પાવડર ઉડવા માંડે છે. આવું સંશોધનમાંથી બહાર આવ્યું છે. એટલું જ નહી લંડનમાં આવા બ્લોક વાપરવાનું લોકોએ બંધ કરી દીધું છે.  
ઇંટના ભઠ્ઠાઓ સદંતર બંધ રહેવાથી ઉદ્યોગને કરોડોનું નુકસાન જશે. મોટા યુનિટનું સિઝનનું ઉત્પાદન 30થી 40 લાખ ઇંટનું અને નાના ભઠ્ઠાઓનું 1થી 3 લાખ સુધીનું હોય છે. જો બજાર મૂલ્ય પ્રમાણે જોઇએ તો તેમાં 45થી 50 ટકા જેટલું શ્રમિકોનું ખર્ચ છે તેથી શ્રમિકોની કમાણી પર ખાસ્સો ઘટાડો થશે.  
હાલમાં બ્રીક્સ ફેડરેશને સરકારને 31-3-22ના રોજ બહાર પાડેલું જીએસટી વધારાનું નોટિફિકેશન પાછું ખેંચવાની વિનંતી કરતા વિરોધ નોંધાવ્યો છે. તેની સાથે ઇ-ઓક્શનની મુશ્કેલીમાંથી અમને મુક્તિ આપવી જોઇએ. શ્રમિકો માટેના કાયદા અલગથી તૈયાર કરીને તેમને સામાજિક સુરક્ષા, આરોગ્ય વીમા, એક્સિડન્ટ વીમાનો લાભ આપો તથા ઇંટ ઉત્પાદકોને કમોસમી વરસાદ કે વાવાઝોડાથી થતા નુકશાનની ભરપાઇ કરી શકાય તેવું વીમા કવચ આપવું જોઇએ તેવી પણ માગ કરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer