અમદાવાદના એક દિવસના અબજોપતિ !

ડીમેટમાં ભૂલથી રૂા. 116 અબજ જમા થયા; નિફટી ખરીદી પાંચ લાખનો નફો કરી લીધો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 સપ્ટે. 
ગુજરાતમાં એક રોકાણકારના ડીમેટ ખાતામાં થોડા કલાકો માટે એક કે બે લાખ નહીં પરંતુ રૂા.116 અબજ જમા થયા અને તે રાતોરાત કરોડપતિ બની ગયા હતા. જોકે, આ ધનિકપણું ક્ષણિક હતું. કોટક સિક્યુરિટીમાં ડીમેટ એકાઉન્ટ ધરાવતા રમેશભાઈ સગર સાથે આ સુખદ અકસ્માત થયો હતો.    
અમદાવાદના બાપુ નગરમાં રહેતા રમેશભાઈ સગર સાથે આ ઘટના જુલાઈ મહિનામાં બની હતી પરંતુ તેમણે કોઈને આ બાબત વિષે જણાવ્યું ન હતું. પરંતુ અચાનક માધ્યમોમાં આ વાત ફેલાઈ જતા રમેશભાઈ રાતોરાત છવાઈ ગયા હતા. 
રમેશભાઈનું મુખ્ય કામ એમ્બ્રોઇડરી વર્કનું છે, પરંતુ છેલ્લાં પાંચ-છ વર્ષથી શૅરબજાર સાથે પણ જોડાયેલા છે. તેઓ મુખ્યત્વે બૅન્ક નિફટી અને બૅન્ક ઓપ્શનમાં કામ હોય છે અને 116 અબજ જે દિવસે જમા થયા ત્યારે તે અવાચક થઈ ગયા હતા.  
રમેશભાઇએ જણાવ્યું હતું કે `તેમના ખાતામાં 116 અબજ જમા થતાની સાથે જ તેમને બૅન્ક નિફ્ટી અને ઓપ્શન ખરીદી લીધાં હતાં અને થોડી જ કલાકમાં તેમને 5,43,920 નો નફો થયો અને નફો બુક કરી લીધો.` પછી ભૂલથી જમા થયેલી રકમ જતી રહી હતી પણ એમાંથી એમણે કમાણી પણ કરી લીધી હતી અને શાણા રોકાણકારનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 
26મી જુલાઈ 2022એ ખાતામાં 116 અબજ જમા થયા. એ રકમ વાપરીને માત્ર અડધા કલાકમાં 5,43,920નો નફો કર્યો. બાદમાં જોકે, કોટક સિક્યુરિટી તરફથી એક એરર મેસેજ આવ્યો હતો. `તમને બૅન્ક નિફ્ટી અને ઓપશનમાં નુકસાન થયું હોત તો?'  તેવા સવાલના જવાબમાં રમેશભાઈએ કહ્યું કે `મને પૂરો વિશ્વાસ હતો અને હું વર્ષોથી બૅન્ક નિફ્ટીમાં જ કામ કરું છું આથી નફો મળવાનો જ હતો. જોકે, બાદમાં તમામ રકમ અૉટોમેટિક સ્કવેર અૉફ થઇ ગઈ હતી.' 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer