નવી મગફળી-કપાસની આવક વેગવંતી

કપાસના ભાવ ઘસાવા લાગ્યા, પણ મગફળીમાં સડસડાટ વધારો 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 સપ્ટે. 
ખરીફ પાકોની સીઝન જામવા લાગતા સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ચાર દિવસથી વરસાદ નથી અને હવે ભાદરવાનો તાપ પડી રહ્યો છે તેના લીધે ખરીફ પાકો સહેલાઇથી સૂકાઇને તૈયાર થવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં સોમવારે કપાસની 35 હજાર મણની જંગી આવક થઇ હતી. તો બીજી તરફ મગફળીની નવી આવક પણ વધવા માંડતા આશરે 20-22 હજાર ગુણીનો જથ્થો આવી પડ્યો હતો. નવા માલ આવવા લાગતા ભાવ સડસડાટ ઘટવાનું શરૂ થયું છે.  
 હવે ખેડૂતો નાશ્ચિંત બનીને ખરીફ પાકો તૈયાર કરવામાં વ્યસ્ત થઇ રહ્યા છે. ખેતરોમાં મગફળી ખેંચીને પાથરા બનાવવાનું કાર્ય ચાલે છે. તો બીજી તરફ કપાસ વિણવાની કામગીરી પણ વેગવંતી બની ચૂકી છે. 
કપાસના ઢગલાં થવાના દિવસો હવે આરંભાયા છે. સોમવારથી જ 25 હજાર મણ આવક દેખાઇ હતી. બોટાદ અને અમરેલીમાં પુષ્કળ આવક થાય છે. આ વિસ્તારમાં આગોતરા કપાસનું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે.   ખેડૂતો કહે છે કે વરસાદથી પલળેલો અને ભીનો કપાસ, અત્યારે યાર્ડમાં સારાં ભાવ લેવા માટે બધા વેંચી રહ્યા છે. 90 ટકા માલ ભીના આવે છે. એમાં જિનીંગ મિલોની માગ ખૂબ નબળી છે. જિનીંગ મિલો હજુ શરૂ થઇ નથી, પણ નવરાત્રિ પછી ગાંસડીઓ બાંધવાનું કામકાજ શરૂ થશે ત્યારે કપાસની માગ વધશે. 
કપાસનો ભાવ માર્કેટ યાર્ડોમાં રૂા. 2200 આસપાસ દસેક દિવસ પહેલા ખૂલ્યો હતો, પરંતુ એ પછી રૂા. 150ની મંદી ક્રમશ: આવી ગઇ છે. જોકે, ભાવ ઘટાડો નબળા માલને લીધે વધારે દેખાય છે. સીઝન આગળ જતા મોટાંપાકના અંદાજોને લીધે કપાસના ભાવમાં ઘટાડાની પૂરતી શક્યતા છે.   અત્યારે વાતાવરણ સારું છે અને પાકને અનુકૂળ માહોલ આગળ જતા જળવાઇ રહે તો 400 લાખ ગાંસડીના ઉત્પાદનની ધારણા છે. જોકે હાલની સ્થિતિએ રૂનું ઉત્પાદન 375-380 લાખ ગાંસડી થશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. 
કપાસની સાથે નવી મગફળી પણ હવે સારી પેઠે આવવા લાગી છે. રાજકોટ અને ગોંડલમાં હાલ સારી આવક છે, પણ દસેક દિવસમાં એમાં મોટો વધારો થશે. મગફળીનો ભાવ મણે રૂા. 1000થી 1200 સુધીના ભાવ ચાલે છે. કેટલાક યાર્ડોમાં મણે રૂા. 1350થી 1400ના ભાવ બોલાય છે. મગફળીની આવક વેગવંતી બને એ પછી સીંગતેલની મિલો શરૂ થશે. 
રૂની ગાંસડીમાં કડાકો સર્જાયો 
કપાસની નવી આવકનો ભય લાગવા માંડતા રૂની ગાંસડીમાં કડાકો સર્જાયો છે. અગાઉ તેજી થઇ હતી એના કરતા વધારે ઝડપથી મંદી પ્રસરવા લાગી છે. 12મી સપ્ટેમ્બરે રૂની ગાંસડીનો ભાવ ખાંડીએ રૂા. 85500-86000 હતો. તેના સોમવારે રૂા. 78000 બોલાઇ ગયા છે. સપ્તાહમાં ખાંડીએ રૂા. 8000 નીકળી ગયા છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer