એરંડાનું વાવેતર વધીને 6.84 લાખ હેક્ટર થયું

ભાવ ગયા વર્ષ કરતાં 30-35 ટકા વધારે મળ્યો હોવાથી ખેડૂતોને આકર્ષણ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 સપ્ટે. 
કપાસ, મગફળી અને નવા તલની આવકો પણ શરૂ થઇ ચૂકી છે, છતાં, સૌથી છેલ્લે સુધી વાવવામાં આવતા, એરંડાનું વાવેતર ગુજરાતભરમાં ચાલુ છે. પાછલા એક સપ્તાહમાં એરંડાનો વાવેતર વિસ્તાર 32 હજાર હેક્ટર જેટલો વધીને 6,84,398 હેક્ટર સુધી નોંધાયો હોવાનું ખેતીવાડી ખાતાના સાપ્તાહિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. એરંડાનો ભાવ ગયા વર્ષ કરતા 30-35 ટકા જેટલો વધારે મળ્યો હોવાથી ખેડૂતોને પાકનું આકર્ષણ છે. 
એરંડાનું વાવેતર ગયા વર્ષે આ સમયે 6 લાખ હેક્ટરનો આંકડો પણ વટાવી શક્યું ન હતું અને 5,99,000 હેક્ટરના સ્તરે સ્થિર હતું. પાછલા ત્રણ વર્ષની વાવેતર સરેરાશ 6.76 લાખ હેક્ટર હતી. આ વર્ષે તેના કરતા વાવેતર વધારે દેખાય છે. અલબત્ત, ખેડૂતો સરકારના વાવેતરના આંકડાઓ સાથે સહમત નથી, પરંતુ પાક ઉત્પાદનના અંદાજ કાઢતી વેળા સરકારી અંદાજનો જ સહારો લેવામાં આવતો હોય છે. 
એરંડાના પાકમાં વરસાદને લીધે કેટલુંક નુક્સાન પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થયું હોવાની ફરિયાદ ખેડૂતોમાંથી ઊઠી રહી છે. એ વિસ્તારમાં એરંડાનું વાવેતર ખૂબ ઓછું થાય છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એરંડાનું વાવેતર વધારે હોય છે, જ્યાં પાક માટે ઘણો સાનુકૂળ માહોલ છે.  
ખેડૂત વર્ગ પાસેથી મળતી માહિતી પ્રમાણે વારંવાર થયેલા ભારે વરસાદમાં ઘણા ખેડૂતોનું બિયારણ બળી ગયું છે. એ પછી ફેર વાવેતર થયું નથી અને સરકારી આંકડાઓમાં એનો ઉલ્લેખ હોતો નથી.  કચ્છ જિલ્લો 1,90,500 હેક્ટર સાથે વાવેતરમાં મોખરાના સ્થાને છે. ઉત્તર ગુજરાતમાં એરંડાનું વાવેતર 3,10,000 હેક્ટરમાં થયું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 85,200 હેક્ટરમાં અને સૌરાષ્ટ્રમાં 95,100 હેક્ટરમાં થયું છે. કચ્છ વિસ્તારમાં પાકની સ્થિતિ સારી છે. ઉત્તર ગુજરાતમાં પણ પાક અંગે કોઇ સમસ્યા નથી. 
એરંડાના ભાવ લાંબા સમયથી મણે રૂ. 1425-1450ની સપાટી આસપાસ અથડાઇ રહ્યા હોવાથી ખેડૂતો કંટાળી ગયા છે. અત્યાર સુધી એરંડાના રૂા. 1800-2000ના ભાવ થશે તેવી વાતો તેજીવાળાઓએ ચગાવ્યા પછી ભાવ સીઝન દરમિયાન માંડ રૂા. 1540-1550 સુધી એક વખત પહોંચી શક્યા છે એટલે ખેડૂતો નિરાશ છે.  
ચાલુ વર્ષે એરંડાની ઉપલબ્ધિ ઓછી છે છતાં સામે દિવેલની નિકાસની માગ પણ નબળી રહેતાં તેજી થતી નથી. ગુજરાતના માર્કેટ યાર્ડોમાં એરંડાની આવક 17થી 18 હજાર ગુણી આસપાસ નોંધાય છે. આવકો ખૂબ પાતળી છે, છતાં ભાવને ટેકો મળતો નથી. એરંડાનો ભાવ રૂા. 1500-1525 થાય એટલે મોટાંભાગના કિસાનો એરંડા વેચી દે તેવી શક્યતા વધી ગઇ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer