અતિ ભારે વરસાદથી સોપારીનો પાક 30-40 ટકા ઓછો આવવાની ધારણા

મેંગલુરુ, તા. 20 સપ્ટે.
આ વર્ષે સોપારીનો પાક 
આશરે 30 ટકા ઓછો આવવાની ધારણા છે.
સોપારીના ઉત્પાદક મથકે આ વર્ષે જુલાઈથી અૉગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ થવાથી સોપારીના ફળને સડો લાગવાથી પાક આશરે 30 ટકા ઓછો આવવાની શક્યતા ખેડૂતોને જણાઈ રહી છે. જુલાઈમાં અતિ ભારે વરસાદથી ઘણા ખેડૂતો ફૂગનાશકનો છંટકાવ કરી શક્યા નથી. કેટલાક પ્રદેશમાં તો અૉગસ્ટના મધ્ય સુધી ભારે વરસાદ રહ્યો હતો, એમ ઓલ ઇન્ડિયા અરેકા ગ્રોઅર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મહેશ પૂછપડ્ડીનું જણાવવું છે.
સામાન્ય રીતે ચોમાસું શરૂ થાય તે અગાઉ મે મહિનામાં ખેડૂતો સોપારીના વૃક્ષ પર ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જેથી સોપારીના નાના કુમળા ફળને ફૂગ લાગવાથી બચાવી શકાય. ત્યાર બાદ જુલાઈમાં ફરી ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે.
જોકે આ વર્ષે જુલાઈમાં મોટા ભાગના સોપારીના ઉત્પાદક મથકોએ અતિ ભારેથી ભારે વરસાદ નોંધાયો છે. આથી ખેડૂતો ફૂગનાશકનો છંટકાવ અૉગસ્ટના મધ્ય સુધી કરી શક્યા નથી. પરિણામે સોપારીના ઘણાં બગીચાઓમાં ફળને સડો લાગ્યો છે. આથી સોપારીનો પાક એકંદરે 30-40 ટકા જેવો ઓછો આવી શકે છે, એમ પૂછપડ્ડીએ  વધુમાં જણાવ્યું હતું.
સતત ભારે વરસાદની સાથે વચ્ચે થોડો ઉઘાડ નીકળતાં તેમ જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં સોપારીના ફળને સડો લાગવાનો રોગ થતો હોય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer