સીધા વેરાની આવક 30 ટકા અને ઍડવાન્સ વેરાની 17 ટકા વધી

સીધા વેરામાંથી 17 સપ્ટે. સુધીમાં રૂા. 8.36 લાખ કરોડની આવક થઈ
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર સુધીમાં સીધા વેરાની કુલ આવક 30 ટકા વધીને રૂા. 8.36 લાખ કરોડ થઈ હતી એમ એક સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
આ સમયમાં ધંધાદારી પેઢીઓ, કંપનીઓ તેમ જ અતિધનાઢ્ય વ્યક્તિઓએ ભરેલા આગોતરા વેરા (એડ્વાન્સ ટેક્સ)માં 17 ટકાનો વધારો થયો હતો.
સેન્ટ્રલ બૉર્ડ અૉફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમય બાદ આર્થિક ગતિવિધિઓ ફરીથી વધી રહી છે. તેના કારણે સીધા વેરાની આવકમાં સારો વધારો થયો છે. 
2021ના 1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર સુધીમાં સીધા વેરાની આવક રૂા. 6.64 લાખ કરોડ હતી. ગત વર્ષે રિફંડ બાદ કરતાં ચોખ્ખા વેરાની પ્રાપ્તિ રૂા. 5.68 લાખ કરોડ હતી. જે આ વર્ષે 23 ટકા વધીને રૂા. 7 લાખ કરોડ થઈ હતી. આ ચોખ્ખી આવકમાં રૂા. 3.68 લાખ કરોડના કૉર્પોરેટ ટેક્સ અને રૂા., 3.30 લાખ કરોડના વ્યક્તિગત આવક વેરા (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિત)નો સમાવેશ થાય છે. 
ચાલુ વર્ષે સરકારે ગત વર્ષ કરતાં 83 ટકા વધુ રૂા. 1.35 લાખ કરોડનાં રિફંડ આપ્યાં હતાં.
2022-23ના વર્ષમાં 1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર સુધીમાં કુલ રૂા. 2.95 લાખ કરોડ આગોતરા વેરાની પ્રાપ્તિ થઈ હતી. જેમાં રૂા. 2.29 લાખ કરોડના કૉર્પોરેટ વેરા અને રૂા. 66,176 કરોડના વ્યક્તિગત આવક વેરાનો સમાવેશ થાય છે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ પ્રમાણિત થયેલાં લગભગ 93 ટકા આવકવેરા રિટર્નનું પ્રોસેસિંગ થઈ ગયું હતું. જેના કારણે રિફંડની પ્રક્રિયા ઝડપી બની હતી. ચાલુ વર્ષે, ગત વર્ષ કરતાં 468 ટકા વધુ રિફંડ ચૂકવવામાં આવ્યાં હતા. ગત વર્ષ કરતાં આ વર્ષે રિફંડની રકમ અને તેની સંખ્યા ઘણી વધુ હતી કારણ કે આ વર્ષે આધુનિક સ્વયંચાલિત `િરટર્ન, પ્રોસેસિંગ કેપેબિલીટી ઍન્જિન' કામ કરતું થયું હતું. એમ એક કરવેરા નિષ્ણાતે જણાવ્યું હતું.
આ ઉપરાંત કોઈ વ્યક્તિને આવકવેરા ધારા અંતર્ગત કરચોરી ધારા અંતર્ગત કરચોરી છુપાવવા સબબ બે વર્ષ સુધીની જેલની સજા થઈ હોય તો હવે તે વ્યક્તિને કંપાઉન્ડિંગની છૂટ આપવામાં આવશે. કંપાઉન્ડિંગ એટલે કોઇ વ્યક્તિ પોતાનો ગુનો કબૂલ કરીને આવકવેરા વિભાગ નક્કી કરે તે દંડની રકમ ભરીને ફોજદારી કાર્યવાહીથી બચી શકે.
આવકવેરા ધારાની કલમ 276 અંતર્ગત કોઈ વ્યક્તિ વેરાની વસૂલીથી બચવા માટે પોતાની મિલકત ગેરકાયદેસર રીતે છૂપાવે, હટાવે અથવા બીજી કોઈ વ્યક્તિના નામે ચડાવી દે તો તેના માટે જેલની સજાની જોગવાઈ છે. હવે નવા નિયમ મુજબ જેલની સજાનું કંપાઉન્ડિંગ કરીને તેના બદલે નક્કી કરવામાં આવેલો દંડ ભરીને જેલની સજા ટાળી શકાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer